
ગરવી તાકાત
મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંક સાથે પૂર્વઆયોજિત કાવતરું રચી કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી રાજેશકુમાર નટવરલાલ પટેલની આગોતરા જામીન અરજી મહેસાણાના ત્રીજા એડિશનલ સેશન્સ જજ આર.બી. ઇટાલિયાની કોર્ટે નામંજૂર કરી છે. જાહેર નાણાંની મોટી રકમ સંકળાયેલી હોવાથી અને તપાસના હિતમાં કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાનું માની કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
‘શ્રીજી કોર્પોરેશન’ના માલિક રાજેશ નટવરભાઈ પટેલ અને ‘ક્યોર હેલ્થ કેર’ના માલિક હેતલબેન રાજેશભાઈ પટેલ (રહે. સોલા, અમદાવાદ) દ્વારા મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંકમાંથી અનુક્રમે રૂ. 4,90,00,000 અને રૂ. 4,90,00,000 એમ કુલ રૂ. 9.80 કરોડની ટર્મ લોન લેવામાં આવી હતી. આ લોન સામે બંને આરોપીઓએ વડોદરાના સાણી રોડ સ્થિત ‘કુંજ કોમ્પ્લેક્સ’ની કુલ 16 દુકાનો, જેમાં 9 દુકાનો શ્રીજી કોર્પોરેશનની અને 7 દુકાનો ક્યોર હેલ્થ કેરની હતી, તે બેંકમાં ગીરો મૂકી હતી.
આરોપીઓએ બેંકને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કે પરવાનગી લીધા વગર, મિલકતના ખોટા દસ્તાવેજો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો અને ગીરો મૂકેલી દુકાનો પૈકીની દુકાન નં. 117, 118, 119 અને 120 અન્ય વ્યક્તિઓને વેચાણ આપી દીધી હતી. આ ઉપરાંત લોનની રકમનો જે હેતુ માટે ઉપયોગ કરવાનો હતો તે સિવાય અન્યત્ર અંગત આર્થિક ફાયદા માટે રોકાણ કરી, બેંકના બાકી નીકળતા રૂ. 10,88,34,690.51 ભરપાઈ ન કરી બેંક સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે મહેસાણા શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
પોલીસ ધરપકડથી બચવા માટે આરોપી રાજેશકુમાર નટવરલાલ પટેલે મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું કે આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર આર્થિક ગુનો બને છે. આ કેસમાં સહ-આરોપી પત્ની હેતલબેને હાઇકોર્ટમાં સમાધાન કરી રકમ ભરવાની બાંહેધરી આપી હતી, પરંતુ હાલના આરોપી તરફથી આવું કોઈ સમાધાન થયું નથી અને બેંકના રૂ. 10 કરોડથી વધુના જાહેર નાણાં ફસાયેલા છે. વધુમાં, પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીએ અગાઉ મૂળ માલિક પાસેથી દુકાનો ખરીદી તેના ચેક રિટર્ન થતા કોર્ટે દસ્તાવેજ રદ કરવાનો હુકમ કર્યો હોવા છતાં ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હતા.
નામદાર કોર્ટે સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની દલીલો, પોલીસ તપાસના કાગળો તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને અવલોકન કર્યું હતું કે આર્થિક ગુનાઓ દેશની આર્થિક પરિસ્થિતિ અને જાહેર જનતાના નાણાંને નુકસાન પહોંચાડે છે, તેથી તપાસ અને કસ્ટોડિયલ પૂછપરછ માટે આરોપીની હાજરી અનિવાર્ય છે. આ તમામ સંજોગોને ધ્યાને લઈ કોર્ટે આરોપી રાજેશકુમાર પટેલની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.