વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી,મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર સહિત ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ

ગરવી તાકાત
ભાગવત કથા એ આધ્યાત્મિક અને સામાજિક જીવન ઘડતરનું શ્રેષ્ઠ માધ્યમ છે :- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના રાજપુર સ્થિત ગોવર્ધન ગ્રીન્સ ખાતે ‘શ્રી વિરમભાઈ હેમરાજભાઈ આલ ચેરીટેબલ ટ્રસ્ટ’ અને શ્રી અમૃતભાઈ આલ પરિવાર દ્વારા સપ્તદિવસીય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજે કથાના દ્વિતીય દિવસે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી વહેતી અમૃતમય કથાનું શ્રવણ કરવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, કાંકરેજ, ઓગડજી અને બનાસની પાવન ધરતી પર પૂજ્ય ભાઈશ્રીના મુખારવિંદેથી વહેતી શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ કરવું એ સૌનું સૌભાગ્ય છે. મૃત્યુને પણ જીતી શકે તેવી આ પવિત્ર કથાનું ભવ્ય આયોજન કરવા બદલ તેમણે મુખ્ય યજમાન શ્રી અમૃતભાઈ આલ અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં વિભક્ત થતા જતા કુટુંબોને કારણે સંતાનોને વડીલો પાસેથી મળતું પરંપરાગત જીવન- શિક્ષણ ઘટી રહ્યું છે, ત્યારે પૂજ્ય ભાઈશ્રી લોકભોગ્ય ભાષામાં કથાના માધ્યમથી આધ્યાત્મિક ઉત્થાનની સાથે સામાજિક વ્યવહાર અને પારિવારિક જીવન જીવવાનું સચોટ માર્ગદર્શન આપી રહ્યા છે, જેનાથી આ લોક અને પરલોક બંને સુધરે છે.
કથાની ભવ્યતા અને દિવ્યતાની પ્રશંસા કરતા અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં ભારતીય વિરાસત અને આધુનિક વિજ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળે છે. સમગ્ર દેશમાં ગૌસંવર્ધનનું ઉત્તમ કાર્ય કરનાર અને ‘કાંકરેજ’ ગાયના નામ પરથી ઓળખાતા આ પંથકમાં ‘વેદલક્ષણા’ અને કામધેનુ સ્વરૂપ ગૌમાતાના સંવર્ધન માટે સૌએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ. આ ઉપરાંત, યજમાન શ્રી અમૃતભાઈ આલ પરિવાર દ્વારા ડીસા ખાતે ‘રીએક્ટ’ (React) દિશા માટે ભેટ આપવાની ઉમદા જાહેરાતને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, પરિવાર અને સમાજનું ઋણ અદા કરવાના પવિત્ર ઉદ્દેશ્યથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
કથાના દ્વિતીય દિવસે શ્રદ્ધાળુઓને સંબોધતા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, પિતૃઓના મોક્ષ અને જન-જનના હૃદયમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના સ્થાપન માટે શ્રી અમૃતભાઈ આલ પરિવાર દ્વારા આયોજિત આવા ધાર્મિક ઉપક્રમોમાં લગાડેલી સંપત્તિ, સમય અને શક્તિ એ શ્રેષ્ઠ રોકાણ છે. શાળા-કોલેજોની જેમ જ ભાગવત કથા એ સમૂહ શિક્ષણ (માસ એજ્યુકેશન) માટેની એક અસરકારક શૈક્ષણિક પ્રવૃત્તિ છે, જ્યાં હજારો શ્રોતાઓને એકસાથે જીવન ઘડતરનું શિક્ષણ મળે છે. ‘સમજથી જ સમાજ બને છે’ તેમ જણાવી ભાઈશ્રીએ કહ્યું હતું કે, વેદોની પ્રાર્થના મુજબ આપણે કાન દ્વારા હંમેશા શુભ સાંભળીએ અને આંખો દ્વારા શુભ જોઈએ તેવી ભાવના કેળવવી જોઈએ.
શ્રીમદ્ ભાગવતના વિવિધ પ્રસંગો, શિવ અને દક્ષના સંવાદ તથા કુળ-પરંપરાના મહત્વ પર પ્રકાશ પાડતા ભાઈશ્રીએ જણાવ્યું હતું કે, જીવનમાં સાચું સુખ અને શાંતિ ત્યારે જ સંભવ છે જ્યારે જીવનમાં પવિત્રતા અને શુદ્ધિ હોય. આ શુદ્ધિમાં મુખ્યત્વે દ્રવ્ય શુદ્ધિ (નીતિનું ધન), આહાર શુદ્ધિ (સાત્વિક ભોજન) અને વંશ શુદ્ધિનો સમાવેશ થાય છે. આપણા શરીરની અંદર બિરાજમાન ‘જઠરાગ્નિ’ અને ભગવાન શિવ દ્વારા ધારણ કરાતી ભસ્મનો ઉલ્લેખ કરતા તેમણે સમજાવ્યું હતું કે, આ નશ્વર શરીર અંતે તો ભસ્મ થવાનું છે, તેથી જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જીવનને શુદ્ધ, પવિત્ર અને સત્કર્મોથી ભરપૂર રાખવું જોઈએ.
આ ભક્તિમય પ્રસંગે રાજ્યમંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિત, ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર, ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, સંગઠન પ્રમુખશ્રી નરેશજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલીયાતર, પૂર્વ ધારાસભ્યશ્રી ગોવાભાઈ રબારી સહિતના સહકારી અને સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.