મહેસાણા જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ: મતદાન મથકોની પુનઃગોઠવણી

November 28, 2026

આગામી ત્રણ રવિવારે મહેસાણાના તમામ મતદાન મથકો પર યોજાશે ખાસ ઝુંબેશ

 

ગરવી તાકાત

મહેસાણા જિલ્લામાં ૧૮૯૦ મતદાન મથકો: ૨૬ ડિસેમ્બર સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં મતદારોની અધતન સંખ્યાના આધારે મતદાન મથકોનું પુનર્ગઠન/પુનઃગોઠવણી કરવામાં આવેલ, જેની આખરી પ્રસિદ્ધિ તા.૨૭/૧૧/૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ છે. વહીવટી પ્રક્રિયાના અંતે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યામાં ફેરફાર થયો છે, જેમાં અગાઉના ૧૯૯૧ મતદાન મથકોની સામે હવે જિલ્લામાં કુલ ૧૮૯૦ મતદાન મથકો કાર્યરત રહેશે.

મતદાન મથકોની પુનઃગોઠવણીની વિગતો મુજબ મહેસાણા જિલ્લાના સાત વિધાનસભા મતવિસ્તારોમાં ખેરાલુમાં ૨૭૫, ઊંઝામાં ૨૫૫, વિસનગરમાં ૨૪૧, બેચરાજીમાં ૨૮૬, કડીમાં ૩૦૨, મહેસાણામાં ૨૮૨ અને વિજાપુરમાં ૨૪૯ મતદાન મથકોનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં સુધારણા પ્રક્રિયા દરમિયાન એક નવું મતદાન મથક ઉમેરવામાં આવ્યું છે, જ્યારે ૧૦૨ મતદાન મથકોને અન્ય મથકો સાથે મર્જ કરવામાં આવ્યા છે. આ યાદીની નકલ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સુપરત કરવામાં આવી છે અને જાહેર જનતાના અવલોકન માટે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી તેમજ તમામ પોલિંગ બુથ પર ઉપલબ્ધ કરાવાઈ છે.

મતદારોની સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૨૯ નવેમ્બર ૨૦૨૬, ૬ ડિસેમ્બર ૨૦૨૬ અને ૧૩ ડિસેમ્બર ૨૦૨૬ના ત્રણેય રવિવારના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો પર સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી ખાસ કેમ્પનું આયોજન થશે. આ દિવસો દરમિયાન બુથ લેવલ ઓફિસરો (BLO) પોલિંગ સ્ટેશન પર હાજર રહીને નાગરિકો પાસેથી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. જે નાગરિકો ૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરે છે તેઓ આ સમયગાળામાં અચૂક નોંધણી કરાવી શકશે.

ચૂંટણી પંચે યુવા મતદારો માટે વિશેષ જોગવાઈ કરતા એડવાન્સ અરજીની સુવિધા પણ આપી છે. જે યુવાનો વર્ષ ૨૦૨૭ની અન્ય ત્રણ લાયકાતની તારીખો એટલે કે ૧ એપ્રિલ, ૧ જુલાઈ અથવા ૧ ઓક્ટોબર ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરવાના હોય, તેઓ પણ અત્યારથી જ ફોર્મ નંબર ૬ ભરીને એડવાન્સ અરજી કરી શકશે. હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાની અંતિમ તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૬ નિયત કરવામાં આવી છે. આ તમામ અરજીઓનો નિકાલ ૧૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં કર્યા બાદ, ૧૮ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0