કડીમાં સ્પેંટ એસિડ ભરેલા ટેન્કરનો ગેરકાયદે નિકાલ કરવાના કૌભાંડમાં ચાર શખસ સામે ગુનો દાખલ

November 25, 2026

70 ટકા સલ્ફ્યુરિક એસિડના ખોટા બિલ અને ઇ-વે બિલ બનાવી જોખમી કચરાની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, જીપીસીવી અધિકારીઓની ફરિયાદના આધારે કડી પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક અને સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ

 

 

ગરવી તાકાત

કડી તાલુકાના ઇંદ્રાડ ગામ સ્થિત કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી ખતરનાક ‘સ્પેંટ એસિડ’ ભરેલા ટેન્કરનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવાના કૌભાંડનો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ( જીપીસીવી) ની ટીમે પર્દાફાશ કર્યો છે. આ મામલે જીપીસીવી ના પ્રાદેશિક અધિકારી નરેશકુમાર પ્રતાપભાઈ ચૌધરીએ કડી પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક અને એકમના સંચાલકો સહિત ચાર શખસ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડવાના ષડયંત્ર સામે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે.

23 નવેમ્બર, 2026ના રોજ મળેલી ખાનગી બાતમીના આધારે જીપીસીવી ની મહેસાણા પ્રાદેશિક કચેરીની ટીમ જેમાં મદદનીશ પર્યાવરણ ઇજનેર ડી.જે. નાડોદા અને સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ એમ.એમ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઇંદ્રાડ સ્થિત કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આસપાસ તપાસમાં હતા. દરમિયાન બપોરે આશરે 2:15થી 3:00 વાગ્યાના અરસામાં કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી ‘જોખમી કચરો’ લખેલું અશોક લેલેન્ડ કંપનીનું ટેન્કર (જીજે 03 બીઝેડ 6939) બહાર નીકળ્યું હતું. શંકાસ્પદ હિલચાલ જણાતા જીપીસીવી ની ટીમે તુરંત જ આ ટેન્કરનો પીછો કર્યો હતો.

ટેન્કર અમદાવાદ-મહેસાણા હાઇવે પર છત્રાલ બ્રિજ નીચેથી કડી તરફ અને ત્યારબાદ કડી-થોળ હાઇવે પર આગળ વધ્યું હતું. કડી-થોળ હાઇવે પર ‘રાણસરિયા પોલીપેક પ્રાઇવેટ લિમિટેડ’ આગળ ટેન્કરને રોકી તેની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેન્કરમાંથી ઇન્વોઇસ નંબર 69 તારીખ 21 નવેમ્બર, 2026 અને ઇ-વે બિલ મળી આવ્યા હતા. આ દસ્તાવેજોમાં નિયો કેમ (કડી, મહેસાણા) ખાતેથી ધ્રુવ્યાંશી કેમિકલ (હળવદ, મોરબી) મારફતે ડાઈ ડેઝલ (શિકારપુર, કચ્છ) ખાતે 32,950 કિલોગ્રામ સલ્ફ્યુરિક એસિડ (70%) મોકલવામાં આવી રહ્યું હોવાનું દર્શાવાયું હતું, જેની કિંમત 55,356 રૂપિયા અને ટેન્કરની અંદાજિત કિંમત આશરે 15 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

જોકે ટેન્કરમાં તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ આછું લાલાશ પડતું સ્પેંટ એસિડ હોવાનું જણાયું હતું, જેનો પીએચ આશરે 2 જેટલો માલૂમ પડ્યો હતો. પૃથ્થકરણ માટે ચાલકની હાજરીમાં 5 લિટર પ્લાસ્ટિકના કેર્બામાં એસિડનો નમૂનો લેવામાં આવ્યો હતો અને બિલ સિવાય અન્ય કોઈ મેનિફેસ્ટ કોપી કે દસ્તાવેજી પુરાવા મળી આવ્યા નહોતા. ટેન્કર ચાલકની પૂછપરછમાં તેનું નામ શકીલ ખાન નૌશાદ ખાન (રહે. કુશીનગર, ઉત્તર પ્રદેશ) હોવાનું ખુલ્યું હતું. ચાલકના જણાવ્યા મુજબ, અમદાવાદના રવિભાઈ પટેલ દ્વારા આ સ્પેંટ એસિડ કચ્છમાં પહોંચાડવાનું જણાવાયું હતું.

દરમિયાન, જીપીસીવી ના મદદનીશ પર્યાવરણ ઇજનેર વી.ડી. ચૌધરી અને વૈજ્ઞાનિક અધિકારી બી.એન. ચૌહાણે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ટેન્કર 23 નવેમ્બર, 2026ના રોજ બપોરે આશરે 2:15 વાગ્યે ઇંદ્રાડના કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ‘સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ’ (પ્લોટ નં. 132, સર્વે નં. 368) માંથી નીકળ્યું હતું. રંગ અને રંગ મધ્યવર્તી પદાર્થોનું ઉત્પાદન કરતી આ કંપનીએ GPCB ની મંજૂરી મુજબ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા સ્પેંટ એસિડનો સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં મેનિફેસ્ટ મારફત નિકાલ કરવાનો હોય છે, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદે રીતે તેનો નિકાલ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

માનવ જીવન અને સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે તેવા આ સ્પેંટ એસિડનો જમીન, ભૂગર્ભ, નદી કે તળાવમાં ગેરકાયદે નિકાલ કરવાના ષડયંત્રમાં સોમનાથ ઇન્ડસ્ટ્રીઝના શૈલેષ એ. પટેલ (રહે. હંસોલ, અમદાવાદ), સમીર કનકરાઈ શાહ (રહે. કૃષ્ણનગર, અમદાવાદ), ટેન્કર ચાલક શકીલ ખાન અને રવિભાઈ પટેલ (રહે. અમદાવાદ) સંડોવાયેલા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ 110(1), 270, 280, 286 અને 54 તેમજ પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986ની કલમ 5 અને પાણી પ્રદૂષણ (નિવારણ) અધિનિયમ 1974ની કલમ 43 હેઠળ ગુનો નોંધી ટેન્કર અને ચાવી કડી પોલીસ સ્ટેશનને સોંપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0