TAT HS મુખ્ય પરીક્ષાના પરિણામ સામે મહેસાણા કલેક્ટર કચેરીએ ઉમેદવારોની રજૂઆત; બંને પેપરના અલગ ગુણ, ઉત્તરવહી અને પુનઃમૂલ્યાંકનની માંગ

ગરવી તાકાત
તાજેતરમાં જાહેર થયેલા TAT HS મુખ્ય પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પરિણામ બાબતે નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ સાથે ઉમેદવારો દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉમેદવારોએ શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરીને શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ સુધી પોતાની વાત પહોંચાડવા અપીલ કરી છે.
ગત 8 ઓગસ્ટ 2026 ના રોજ લેવાયેલી TAT HS મુખ્ય પરીક્ષાનું પરિણામ 6 નવેમ્બર 2026 ના રોજ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં મળેલા ગુણ અંગે હજારો ઉમેદવારોમાં નારાજગી પ્રવર્તી રહી છે. ઉમેદવારોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે પરિણામ જાહેર કરતી વખતે બંને પેપરના ગુણ અલગ-અલગ દર્શાવવામાં આવે. આ ઉપરાંત દરેક ઉમેદવારના સીટ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, કેટેગરી અને વિષયવાર પરિણામનું લિસ્ટ જાહેર કરવાની સાથે જે ઉમેદવારોએ માત્ર એક જ પેપર આપ્યું હોય તેમની યાદી પણ પ્રસિદ્ધ કરવાની માંગ કરવામાં આવી છે.
ઉમેદવારોની રજૂઆત મુજબ, દરેક ઉમેદવારને પોતે લખેલી બંને પેપરની ઉત્તરવહીઓ જાહેર કરવામાં આવે તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પેપર-1 ગુજરાતી ભાષા સજ્જતા અને પેપર-2 જે તે વિષયની અધિકૃત આન્સર કી જાહેર કરવામાં આવે. પરિણામના જાહેરનામામાં દર્શાવેલા આંકડાઓમાં વિસંગતતા જણાતી હોવાથી તેનો સ્પષ્ટ ખુલાસો આપવા પણ માંગ કરાઈ છે. વધુમાં, પરીક્ષાનો અભ્યાસક્રમ ધોરણ 11 અને 12 સુધીનો હોવા છતાં કઠિનતા મૂલ્ય અને અનુબંધ અનુસ્નાતક કક્ષાનું રાખવામાં આવ્યું હોવાથી ઉત્તરવહી તપાસનારની લાયકાત એમ.એડ. કે પ્રોફેસર સમકક્ષ હોવી જોઈએ કે નહીં તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. જાહેરનામામાં મૂલ્યાંકનના માપદંડ કે નિયમો સ્પષ્ટ ન હોવાનો મુદ્દો ઉઠાવીને ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન, રી-એસેસમેન્ટ અને રીચેકિંગ કરવાની વિનંતી કરવામાં આવી છે.
આવેદનપત્ર આપનાર ઉમેદવાર મેહુલ સોલંકીએ જણાવ્યું હતું કે પરિણામમાં થયેલા અસંતોષ અને અન્યાય સામે સાથી મિત્રો સાથે મળીને મહેસાણા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બંને પેપરના ગુણ અલગ-અલગ આપવાને બદલે ભેગા ગુણ અપાયા છે, તેથી પેપર-1 અને પેપર-2 ના અલગ ગુણ તથા બંનેની ઉત્તરવહીઓ રજૂ કરવી જોઈએ. બંને પેપરની ફરીથી પુનઃતપાસ, પુનઃમૂલ્યાંકન અને રી-એસેસમેન્ટ દ્વારા ન્યાય મળે તેવી માંગ કરતાં તેમણે ઉમેર્યું કે કઠિનતા મૂલ્ય અનુસ્નાતક કક્ષાનું હોવાથી પેપર ચકાસનાર એમ.એડ. અથવા કોલેજ કક્ષાના પીએચ.ડી. તજજ્ઞ હોવા જોઈએ અને કયા વ્યક્તિએ ઉત્તરવહી તપાસી તેની માહિતી પણ આપવી જોઈએ.
મેહુલ સોલંકીએ વધુમાં જણાવ્યું કે TAT HS માં 31 હજાર થી વધુ ઉમેદવારોને અસંતોષ અને અન્યાય થયો હોવાની લાગણી છે, ત્યારે કલેક્ટર દ્વારા SEB બોર્ડ અને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી ઉમેદવારોને યોગ્ય ન્યાય અપાવવામાં આવે તેવી નમ્ર અપીલ છે.