પાટણના હાસાપુરમાં વહેલી સવારે સનસનાટી: કુખ્યાત ભાવેશ ઝીલિયા હુમલા કેસના આરોપી પર જીમ બહાર અંધાધૂંધ ગોળીબાર

November 17, 2026

 

ગરવી તાકાત

પાટણ શહેરના હાસાપુર વિસ્તારમાં સોમવાર, 17 નવેમ્બરની વહેલી સવારે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તાર અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. કુખ્યાત ભાવેશ ઝીલિયા પર થયેલા હુમલાના આરોપી અને ‘શ્રેય ફિટનેસ’ના માલિક દલપતસિંહ પરમાર પર બાઇક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસોએ અંદાજે પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે આ અચાનક થયેલા હુમલામાં દલપતસિંહ પરમારને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી ન હતી અને તેઓ સુરક્ષિત રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, હાસાપુર વિસ્તારમાં રોટલીયા હનુમાન મંદિર નજીક, આયુષ ટાઉનશીપ પાસે આવેલા શ્રેય મોલની અંદર દલપતસિંહ પરમારનું ‘શ્રેય ફિટનેસ’ નામનું વ્યાયામશાળા આવેલું છે. વહેલી સવારે દલપતસિંહ પરમાર પોતાની વ્યાયામશાળા ખાતે પહોંચ્યા હતા, તે દરમિયાન બાઇક પર સવાર થઈને આવેલા બે બુકાનીધારી શખસોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર ગંભીર ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે. આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સવારે 6:05 વાગ્યાના અરસામાં એક મોટરસાઇકલ પર બે શખસો આવે છે અને ‘શ્રેય ફિટનેસ’ની બહાર ઊભા રહીને છ રાઉન્ડ જેટલું આડેધડ ફાયરિંગ કરીને પલાયન થઈ જાય છે. પ્રાથમિક તપાસ અને ચર્ચા મુજબ, જમીન બાબતે ચાલી રહેલા કોઈ જૂના વિવાદના કારણે આ હુમલો કરાયો હોવાની શક્યતાએ ભારે જોર પકડ્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા, સ્થાનિક ગુના નિવારણ શાખા, એસ.ઓ.જી. અને બી-ડિવિઝન પોલીસ મથકનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આખો વિસ્તાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ડન કરી લીધો છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ પુરાવા એકત્ર કરવા માટે બોલાવવામાં આવી છે.

નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાએ આ માબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ હુમલામાં કયા પ્રકારનું હથિયાર વપરાયું હતું, હુમલો કરનારા આરોપીઓ કોણ હતા અને તેમનો વાસ્તવિક ઈરાદો શું હતો તે તમામ દિશાઓમાં અત્યંત ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે. ભૂતકાળમાં જે બનાવ બન્યો હતો તેના સંદર્ભમાં આ હુમલો કરવામાં આવ્યો છે કે પછી આની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે અંગે પણ સઘન તપાસ ચાલુ છે. હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે સમગ્ર જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની અફવાઓ કે જૂઠ્ઠાણું ફેલાવીને સામાજિક વૈમનસ્ય ફેલાવનાર તત્વો સામે સાયબર ક્રાઈમ ટીમ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.

આ સમગ્ર હુમલા અંગે વાતચીત કરતા દલપતસિંહ પરમારે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, “હું રોજની જેમ મારી ગાડી પાર્ક કરીને વ્યાયામશાળા તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. શરૂઆતમાં મને એવું લાગ્યું કે કદાચ કોઈએ ફટાકડા ફોડ્યા હશે. પરંતુ તે પછી ચાલુ બાઇક પર આવેલા શખસોએ વધુ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યાંથી ભાગી છૂટ્યા.”

તેમણે વધુમાં મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે આવા કાયરતાપૂર્ણ હુમલાઓથી તેઓ જરાય ડરવાના કે ગભરાવાના નથી. તેમણે પોલીસને તાત્કાલિક આ અંગેની જાણ કરી હતી અને પોલીસને જાણ કર્યા બાદ કોઈપણ પ્રકારના ડર વગર રાબેતા મુજબ પોતાની કસરત (વર્કઆઉટ) પૂર્ણ કરી હતી. વ્યાયામશાળાના સંચાલકે જણાવ્યું હતું કે પોલીસ આ મામલાની તપાસમાં પૂરેપૂરો સહકાર આપી રહી છે અને ન્યાયી તપાસની આશા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0