ગરવી તાકાત ઃ 9-10-2026
સીનાડ પાટિયા પાસે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ટ્રક અને ટેન્કરચાલક બંનેનાં કમકમાટીભર્યા મોત: એક શ્રમિક ગંભીર ઈજાગ્રસ્ત, હાઇવે પર મચી ભારે અફરાતફરી

પાટણ જિલ્લાના રાધનપુર–પાલનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા સીનાડ ગામ નજીક એક હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ હાઇવે પર માર્ગ વિભાજક વચ્ચે આવેલા વૃક્ષો અને છોડવાઓને પાણી પીવડાવવાની નિયમિત જાળવણીની કામગીરી ચાલી રહી હતી. શ્રમિકો પાણીના ટેન્કરની મદદથી રોડ વચ્ચેના વૃક્ષોને પાણી છાંટી રહ્યા હતા, તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે અને બેફિકરાઈપૂર્વક ધસી આવેલા એક ટ્રકના ચાલકે આગળ ધીમી ગતિએ ચાલી રહેલા પાણીના ટેન્કરને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ભીષણ ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોના કુરચેકુરચા ઊડી ગયા હતા અને જોતજોતામાં હાઇવે પર ભારે અફરાતફરી તથા ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
આ ભયાનક દુર્ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઝપેટમાં આવી ગયા હતા. ટક્કરને કારણે ટ્રક ચાલક મહેન્દ્ર મીના તેમજ પાણીના ટેન્કરના ચાલક કૈલાશ ચૌધરી જાટને શરીરે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચતાં બંનેનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટેન્કર સાથે રહીને વૃક્ષોને પાણી પાઈ રહેલા વાલ્મિકી પિન્ટુભાઈ નામના શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ આસપાસના વાહનચાલકો અને સ્થાનિકોને થતાં જ લોકોના ટોળેટોળાં દોડી આવ્યા હતા. બનાવ અંગે તાત્કાલિક જાણ કરાતાં રાધનપુર પોલીસનો કાફલો, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને ૧૧૨ની ઇમરજન્સી ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમોએ ભારે જહેમત બાદ કાટમાળમાંથી લોકોને બહાર કાઢી ઈજાગ્રસ્ત પિન્ટુભાઈને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યારે બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.
આ ઘટનાની ગંભીરતાને જોતાં નેશનલ હાઇવે ઓથોરિટીની વિશેષ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ કરૂણ દુર્ઘટનાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ચાલતી જાળવણી કામગીરી દરમિયાન શ્રમિકોની સુરક્ષા અને સલામતી વ્યવસ્થા સામે અત્યંત ગંભીર પ્રશ્નાર્થો ખડા કર્યા છે. દિવસ-રાત ભારે અને પૂરઝડપે દોડતા વાહનો વચ્ચે કામ કરતાં શ્રમિકોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં તે સૌથી મોટો સવાલ બની રહ્યો છે. હાઇવે પર કામ ચાલુ હોય તેવા સંજોગોમાં આગળથી આવતા વાહનોને સાચેત કરવા માટે જરૂરી બેરિકેડિંગ, રેડિયમવાળા ચેતવણી બોર્ડ, સિગ્નલિંગ કે અન્ય સુરક્ષા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તેની તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને હાઇવે પર કામ કરતા ગરીબ શ્રમિકોનો જીવ જોખમમાં ન મુકાય તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ સંબંધિત એજન્સીઓ દ્વારા કડક સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.