
ગરવી તાકાત 9-10-2026
વડનગર ખાતે ચાલી રહેલા તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અને ખોદકામના વિવાદમાં ઠાકોર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના પરિવારોની જમીન પર ખોદકામ અને લેવલિંગ શરૂ કરી દેવાયું હોવાના આક્ષેપ સાથે સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો એકમંચ પર આવ્યા છે. તેમણે સ્થાનિક મામલતદાર તેમજ ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરી છે.
આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શહેરનો વિકાસ જરૂરી છે પરંતુ તે ઠાકોર સમાજના ભોગે ક્યારેય સ્વીકાર્ય નથી. તંત્રને આ મામલે યોગ્ય ઉકેલ લાવવા માટે ૧૦ દિવસની મુદત આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો હજારો લોકો સાથે ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ મુદ્દે સામાજિક અને રાજકીય આગેવાનો એકઠા થતાં તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.