ગરવી તાકાત ઃ 5-10-2026
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલી ત્રિદેવ પેપર મિલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૂળ ઝારખંડના કોડરમા જિલ્લાના વતની અને હાલ મોટપ-દેલોલી રોડ સ્થિત ત્રિદેવ પેપર મિલમાં શ્રમજીવી તરીકે કાર્યરત રાજેન્દ્ર અર્જુન બુધન (રજક)ની ૧૬ વર્ષીય પુત્રી પૂર્ણિમા આ દુર્ઘટનાનો ભોગ બની છે.
ગત ૪ ઓક્ટોબરના રોજ સવારે આશરે સાડા નવ વાગ્યાના સુમારે પૂર્ણિમા હાઈવે રોડની સાઈડમાં ગઈ હતી, તે વેળાએ પૂરઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલા કન્ટેનર (નંબર: આરજે 06 જીડી 3326)ના ચાલકે તેને જોરદાર અડફેટે લીધી હતી. આસપાસના લોકોએ જાણ કરતાં રૂમ પર હાજર માતા-પિતા દોડી આવ્યા હતા, જ્યાં દીકરી લોહીલુહાણ હાલતમાં માર્ગ પર તરફડી રહી હતી. અકસ્માત સર્જ્યા બાદ કન્ટેનર ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
સ્થાનિકોની મદદથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જોકે, પેટના આંતરડા, ગુદાના ભાગે તથા શરીર પર જીવલેણ ઇજાઓ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરાઈ હતી. હાલ કિશોરીની સ્કિન પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે અને તે અમદાવાદ સિવિલના ICU વોર્ડમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત કિશોરીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે મોઢેરા પોલીસે ફરાર કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાયદેસરની તજવીજ હાથ ધરી છે.


