કડી પંથકના સીમ વિસ્તારોમાં તરખાટ મચાવતી તસ્કર ગેંગ સામે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ

October 5, 2026

કડીના મેઢા ગામમાં તસ્કરો બેફામ: રાત્રિ દરમિયાન ખેતરમાંથી આખું ટ્રાન્સફોર્મર નીચે ઉતારી તોડી નાખ્યું, તાંબાના તાર અને ઓઇલની ચોરી

ગરવી તાકાત ઃ 5-10-2026

નજીકમાં બાવલું પોલીસ મથક હોવા છતાં વારંવાર બોરની ઓરડીઓ તોડી કેબલ ચોરાતાં અન્નદાતાઓ ત્રાહિમામ; તાકીદે કડક કાર્યવાહી કરવા માંગણી

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેઢા ગામની સીમમાં તસ્કરોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિસ્તારમાં અગાઉ પણ બોરની ઓરડીઓના તાળાં તોડીને મોંઘાભાવના વાયરો તેમજ કેબલ ચોરી જવાના બનાવો સામે આવી ચૂક્યા છે, તેવામાં ગત તારીખ ૩ ઓક્ટોબરની અંધારી રાત્રિ દરમિયાન તસ્કરોએ વધુ એક મોટી અને દુસ્સાહસભરી ચોરીને અંજામ આપતાં સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે ફફડાટ સાથે આક્રોશ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મેઢા ગામના સીમ વિસ્તારમાં રાત્રિના અંધકારનો ફાયદો ઉઠાવી તસ્કરો ખેતરમાં ત્રાટક્યા હતા. તસ્કરોએ સૌપ્રથમ બોરની ઓરડીનું લોક તોડી અંદર રહેલા વાયરો-કેબલો કાપી લીધા હતા. ત્યારબાદ હિંમતની હદ વટાવીને વીજ થાંભલા પર ફીટ કરેલું આખેઆખું વીજ ટ્રાન્સફોર્મર (ડીપી) નીચે ઉતારી લીધું હતું. અંદાજે દોઢથી બે કલાક જેટલા સમયગાળામાં તસ્કરોએ આ ભારેખમ ટ્રાન્સફોર્મરને વચ્ચેથી તોડી નાખ્યું હતું અને તેમાંથી હજારો રૂપિયાની કિંમતનો કિંમતી કોપર અર્થાત્ તાંબાનો વાયર, અંદર ભરેલું મોંઘું ઓઇલ તેમજ કનેક્શનના તમામ કેબલ સમેટીને પલાયન થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે ખેડૂતો પોતાના નિત્યક્રમ મુજબ ખેતરે પહોંચ્યા ત્યારે જમીન પર વેરવિખેર અને તૂટેલી હાલતમાં પડેલું ટ્રાન્સફોર્મર જોઈને હતપ્રભ રહી ગયા હતા.

સ્થાનિક ખેડૂતોએ રોષપૂર્વક ગંભીર આક્ષેપ કર્યો છે કે, મેઢા ગામથી તદ્દન નજીકના અંતરે જ બાવલું પોલીસ સ્ટેશન આવેલું છે. પોલીસ મથક આટલું નજીક હોવા છતાં ખાખી વર્દીનો કોઈ પણ પ્રકારનો ખોફ તસ્કરોમાં રહ્યો નથી. પોલીસની નાક નીચે અવારનવાર બોરના કિંમતી કેબલોની ચોરીઓ થતી રહે છે અને હવે તો હદ પાર કરીને તસ્કરોએ આખેઆખી વીજ ડીપી નીચે પટકી મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી ખેતીકામ ઠપ થઈ જતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે મેઢા ગામના અસરગ્રસ્ત ધરતીપુત્રોએ બાવલું પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તાકીદે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવી આ શાતિર તસ્કર ટોળકીને સત્વરે જેલના સળિયા પાછળ ધકેલવા ઉગ્ર રજૂઆત કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0