મહેસાણામાં મોકાની 22 ગુંઠા જમીન પચાવી પાડી ગેરકાયદે બાંધકામ ખડકી દેવાયાનો આક્ષેપ: કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની અરજી, મનપાએ સુનાવણી હાથ ધરી
સર્વે નં. 1150/2ની વડીલોપાર્જિત જમીન પર કમ્પાઉન્ડ વૉલ બનાવી કબજો કર્યાની રાવ; મનપાએ સામાવાળાને બાંધકામના આધાર-પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારી
ગરવી તાકાત 1-10-2026
મહેસાણા શહેરમાં ચામુંડા ચોકડી રોડ નજીક આવેલી કરોડો રૂપિયાની મોકાની પ્રાઇમ લોકેશનની જમીન પર ચાલી રહેલા બાંધકામને લઈને ભારે વિવાદ સર્જાયો છે. જૂના સર્વે નં. 1150ના માલિકે પોતાની માલિકીની જમીન ઉપરાંત આગળ આવેલા સર્વે નં. 1150/2ની જમીનમાં પણ કથિત રીતે ગેરકાયદે બાંધકામ કરી દીધું હોવાના આક્ષેપ સાથે કલેક્ટર સમક્ષ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ અરજી દાખલ કરવામાં આવી છે. આ ગંભીર મામલે હાલ કલેક્ટર કચેરી ખાતે સુનાવણી ચાલી રહી છે.
બીજી તરફ, મહિલા અરજદાર દ્વારા મહેસાણા મહાનગરપાલિકામાં પણ આ ગેરકાયદે બાંધકામ તાત્કાલિક અસરથી તોડી પાડવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે મનપાના ટાઉન પ્લાનિંગ અને દબાણ વિભાગ દ્વારા પણ સુનાવણીની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ચામુંડા ચોકડી નજીકથી પસાર થતી હેવી વીજલાઇન નીચે આશરે 21 જેટલી દુકાનો ધરાવતા વિશાળ કોમ્પ્લેક્સનું બાંધકામ વિવાદમાં સપડાતાં શહેરના રિયલ એસ્ટેટ અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
અરજદાર ભગવતીબેન પટેલ સહિત ચાર બહેનોની ચામુંડા ચોકડી રોડ ટચ વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની આશરે 16 ગુંઠા જમીન આવેલી છે, જ્યારે 6 ગુંઠા જમીન સરકારી હદમાં આવતી હોવાના મુદ્દે ઉપલી મહેસૂલી કોર્ટમાં કાનૂની દાવો પેન્ડિંગ છે. આ સમગ્ર 22 ગુંઠા જમીન બાજુના સર્વે નંબરના માલિક સુલેમાન મિસ્ત્રીએ પચાવી પાડી હોવાનો ખુલ્લો આક્ષેપ પરિવારે કર્યો છે.
‘કમ્પાઉન્ડ વૉલ બનાવી ખોટો કબજો કર્યો, સુનાવણીમાં ગેરહાજર રહ્યા’
ભગવતીબેન પટેલ તરફથી આ સમગ્ર જમીનનો વહીવટ સંભાળતા રાજેન્દ્રકુમાર પાલડીયાએ જણાવ્યું હતું કે, “સામાવાળા સુલેમાનભાઈએ ગેરકાયદેસર રીતે કમ્પાઉન્ડ વૉલ ખડકી દઈ રમીલાબેન સહિત ચાર બહેનોની કિંમતી જમીન પર ગેરકાયદે દબાણ કરી કબ્જો જમાવી લીધો છે. અમે રી-સર્વે અને ફરીથી માપણી કરાવીને તમામ રેકર્ડ, 7/12, 8-અ, સિટી સર્વે તેમજ સિટી માપણી શીટ સહિતના તમામ કાયદેસરના દસ્તાવેજો મહાનગરપાલિકામાં રજૂ કરી દીધા છે. આટલા સચોટ પુરાવા હોવા છતાં સામાવાળા મનપા કે કલેક્ટરની સુનાવણીમાં હાજર રહેવાનું ટાળી રહ્યા છે.”
મનપાનું વલણ: ‘DILR માપણીથી સ્થિતિ સ્પષ્ટ થશે, પુરાવા રજૂ કરવા નોટિસ આપી’
મનપાના ઉચ્ચ અધિકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ નગરપાલિકાના સમયગાળા દરમિયાન સુલેમાનભાઈ મિસ્ત્રીએ બાંધકામ માટેની મંજૂરી મેળવી હતી અને તેના આધારે સ્થળ પર બાંધકામ હાથ ધરાયું હતું. જોકે, આ બાંધકામ અન્ય વ્યક્તિની માલિકીની જમીન પર ખડકાયું હોવાનો મુદ્દો લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યામાં આવતો હોવાથી અરજદારને કલેક્ટર સમક્ષ કાયદેસર પ્રક્રિયા કરવા જણાવાયું છે. જમીનની ચોક્કસ માલિકી અને હદ અંગે DILR માપણી દ્વારા ચિત્ર સ્પષ્ટ થશે. હાલ મનપા દ્વારા સામાવાળાને બાંધકામના તમામ કાયદેસર આધાર-પુરાવા રજૂ કરવા તાકીદની નોટિસ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.


