વિદેશ મંત્રાલય અને પોલીસના દબાણ સામે ઇથોપિયાના અપહરણકારો ઝૂક્યા: એકપણ રૂપિયો ચૂકવ્યા વિના ગુજરાતના ત્રણેય યુવાનો હેમખેમ વતન પરત
ગરવી તાકાત ઃ 1-10-2026
મહેસાણા-ગાંધીનગરના ઋત્વિજ, મમતા અને મયુરી મુંબઈ એરપોર્ટ થઈ વડસ્મા ગામે પહોંચતાં જ પરિવારો ભાવુક; બોગસ એજન્ટો સામે લાંઘણજ પોલીસની તપાસ તેજ
ગેરકાયદેસર માર્ગે અમેરિકા પહોંચાડવાની ગુલાબી લાલચ આપીને કબૂતરબાજી કરતી બોગસ એજન્ટોની સિન્ડિકેટે ગુજરાતના ત્રણ નિર્દોષ યુવક-યુવતીઓને આફ્રિકાના મોતના મુખમાં ધકેલી દીધા હતા. ઇથોપિયામાં આંતરરાષ્ટ્રીય માફિયાઓ દ્વારા બંધક બનાવી પરિવારો પાસેથી ₹1 કરોડની તોતિંગ ખંડણી માંગવામાં આવી હતી. જોકે, ભારત સરકારના વિદેશ મંત્રાલય અને મહેસાણા જિલ્લા પોલીસના અદભુત સંકલન તથા રાજદ્વારી દબાણ સામે આખરે અપહરણકારોને નમવું પડ્યું છે. એકપણ રૂપિયો ચૂકવ્યા વિના ત્રણેય યુવાનોને સહીસલામત મુક્ત કરાવી ગુરુવારે વહેલી સવારે વતન પરત લાવવામાં મોટી સફળતા મળી છે.
જયપુરથી અબુધાબી થઈ ઇથોપિયાના કેમ્પમાં બંધક બનાવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાના વડસ્મા ગામનો ઋત્વિજ શૈલેષભાઈ જનસારી (ઉં.વ. 23), ગોઝારિયા ગામની મમતાબેન ચિરાગભાઈ ચૌહાણ અને ગાંધીનગરની મયુરી સંજયકુમાર સોલંકી (ઉં.વ. 27) અમેરિકા જવા નીકળ્યા હતા. ગત 20 સપ્ટેમ્બરના રોજ એજન્ટો તેમને જયપુરથી અબુધાબી અને ત્યાંથી પૂર્વ આફ્રિકન દેશ ઇથોપિયાની રાજધાની એડિસ અબાબા લઈ ગયા હતા. ત્યાં સ્વાઝીલેન્ડ સ્ટ્રીટ નજીક આવેલા એક અજ્ઞાત કેમ્પમાં તેમને કેદ કરી દેવાયા હતા. સ્થાનિક એજન્ટે અગાઉ લાખો રૂપિયા પડાવી લીધા બાદ ‘કેનેડા પહોંચી ગયા છે’ કહી છેતરપિંડી આચરી હતી. થોડા જ દિવસોમાં ત્રણેયનો સંપર્ક કપાઈ ગયો હતો અને ‘ખાન’ નામના શખ્સે વિદેશથી ફોન કરી ત્રણેયના જીવના બદલામાં ₹1 કરોડની ખંડણી માંગી ધમકી આપતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
વહેલી સવારે મુંબઈ એરપોર્ટ ઉતર્યા, વડસ્મા ગામે પહોંચતાં જ ગામ હિલોળે ચડ્યું બુધવારે રાત્રે ઇથોપિયાથી ફ્લાઇટ મારફતે રવાના થઈને ગુરુવારે વહેલી સવારે 3 વાગ્યે ત્રણેય મુસાફરો મુંબઈ એરપોર્ટ પર સહીસલામત લેન્ડ થયા હતા. પરિવારજનો તેમને ખાનગી વાહન મારફતે સીધા વડસ્મા ગામે લાવ્યા હતા. મોતની ચુંગલમાંથી બાળકોને જીવતા પાછા આવેલા જોઈ માતા-પિતા અને વડીલો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ગામમાં જાણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમના ખબરઅંતર પૂછવા ઉમટી પડ્યા હતા.
રાજદ્વારી દબાણ કામ કરી ગયું: એસપી હિમાંશુ સોલંકી
“મહેસાણા પોલીસ સતત ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં હતી. અપહરણકારોના ફોન કોલ્સ વખતે પરિવારજનોને વિશ્વાસમાં રાખી સચોટ સંકલન સાધવામાં આવ્યું હતું. ભારતીય તંત્ર દ્વારા અપહરણકારોને કાયદાની કડક ભાષા સમજાવવામાં આવી હતી અને પરિવારની નબળી આર્થિક સ્થિતિથી વાકેફ કરાયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા કરાયેલા રાજદ્વારી દબાણને પગલે અપહરણકારો નરમ પડ્યા હતા અને કોઈપણ રકમ લીધા વગર ત્રણેયને સુરક્ષિત મુક્ત કરવા મજબૂર બન્યા હતા.”
— હિમાંશુ સોલંકી, પોલીસ વડા, મહેસાણા જિલ્લો
ઘરમાં અખંડ દીવો, ભાભીએ પાણી ન પીવાની બાધા રાખી હતી
વડસ્મા ગામે પહોંચતા જ ત્રણેય યુવાનોએ સૌપ્રથમ ઘરે માતાજીના ચરણ સ્પર્શ કર્યા હતા અને ત્યારબાદ ગામના સુપ્રસિદ્ધ સધી માતાજીના મંદિરે દર્શન કરી આભાર માન્યો હતો. ઋત્વિજના અપહરણના સમાચાર મળ્યા ત્યારથી ઘરમાં અખંડ દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જ્યાં સુધી ત્રણેય સહીસલામત ઘરે ન ફરે ત્યાં સુધી ઋત્વિજના ભાભીએ ગામનું પાણી ન પીવાની આકરી બાધા રાખી હતી. યુવાનો ઘેર પરત ફરતાં જ સમગ્ર ગામ પરિવાર સાથે ખુશીમાં સહભાગી બન્યું હતું.
પરિવારનો આભાર: ‘સરકારે અમને ખૂબ મોટી મદદ કરી’
ઋત્વિક જનસારીના દાદા કનુભાઈએ હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમારા બાળકો હેમખેમ મુંબઈ આવી ગયા અને ત્યાંથી સુરક્ષિત ઘરે પહોંચી ગયા છે. તેમની મુક્તિ માટે અમારે કોઈ જ ખંડણી કે રૂપિયા આપવા પડ્યા નથી. ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને મહેસાણા પોલીસે આ કપરા સમયમાં અમારી પડખે ઊભા રહીને અકલ્પનીય મદદ કરી છે.”
એજન્ટો સામે લાલ આંખ: સ્થાનિક નેટવર્ક પર પોલીસ ત્રાટકશે
યુવાનો સુરક્ષિત પરત આવ્યા બાદ હવે પોલીસે તેમને વિદેશ મોકલવાના નામે કૂવામાં ધકેલનારા એજન્ટો સામે સકંજો કસ્યો છે. લાંઘણજ પોલીસે વડોદરા અને મહેસાણાના સ્થાનિક એજન્ટો તેમજ આંતરરાષ્ટ્રીય બોગસ સિન્ડિકેટ વિરુદ્ધ કાયદેસરની તપાસ તેજ કરી છે. ગેરકાયદે માનવ તસ્કરીના આ મોટા ષડયંત્રના મૂળ સુધી પહોંચવા પોલીસ તંત્ર દ્વારા સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

