ગરવી તાકાત ઃ1-10-2026
નવરાત્રિમાં ગરબાના આયોજનોમાં મુસ્લિમોને પ્રવેશ ન આપો: ડો. પ્રવીણ તોગડિયા
છેડતી કરનારને પટકીને પીટો’—ઓજસ્વિની સંસ્થા દ્વારા દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અપાઈ; શિક્ષણ અને સંસ્કાર ઘડતરના કાર્યોને બિરદાવ્યા

મહેસાણા જિલ્લાના કડી ખા તે આવેલ કુમારી મેઘના કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ આગામી નવરાત્રિ મહોત્સવને લઈને મોટું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આહવાન કર્યું હતું કે, નવરાત્રિ દરમિયાન યોજાતા ગરબા મહોત્સવોમાં કોઈપણ મુસ્લિમ વ્યક્તિને પ્રવેશ આપવો જોઈએ નહીં. આ સાથે જ તેમણે પાવન પર્વ નવરાત્રિ અને વિજયાદશમીના દિવસે તમામ હિન્દુ પરિવારોને પોતપોતાના ઘરોમાં પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવા અપીલ કરી હતી.
ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોની ગરિમા જળવાઈ રહે અને રાજ્યની તમામ બહેન-દીકરીઓ સંપૂર્ણ સુરક્ષા તેમજ ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમી શકે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત હજારો વિદ્યાર્થીનીઓ અને લોકો સમક્ષ તેમણે દીકરીઓની આત્મસુરક્ષા પર વિશેષ ભાર મૂક્યો હતો.
દીકરીઓના શિક્ષણ અંગે વાત કરતાં તેમણે મેઘના કેમ્પસની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “શિક્ષણ એ શ્રેષ્ઠ કામ છે, અને તેમાંય દીકરીઓને શિક્ષિત કરવી એ ડબલ શ્રેષ્ઠ કામ છે. અહીં હજારો દીકરીઓનું જીવન ઘડતર થઈ રહ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય બાબત છે.”
‘કોઈ છેડે તો પકડો, પટકો અને પીટો’
દીકરીઓની આત્મસુરક્ષા અને સ્વાભિમાનના મુદ્દે ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મહિલા પરિષદની ‘ઓજસ્વિની’ સંસ્થા દ્વારા બહેન-દીકરીઓને સુરક્ષા માટેની વિશેષ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જો કોઈ અસામાજિક તત્ત્વ કે લફંગા દીકરીઓની છેડતી કરવાનો દુષ્પ્રયાસ કરે, તો તેને સ્થળ પર જ જડબાતોડ જવાબ આપવો જોઈએ.
તેમણે ઓજસ્વિની સંસ્થાનું સૂત્ર આપતાં જણાવ્યું કે, “કિસી ને હમકો છેડા, હમ લડેંગે, છૂટેંગે, પકડેંગે, પટકેંગે ઓર પીટેંગે”. કડી કેમ્પસ ખાતે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને સ્વબચાવ અને કટોકટીના સમયે પ્રતિકાર કરવાની ટેકનિક્સનું પ્રત્યક્ષ નિદર્શન (ડેમો) પણ બતાવવામાં આવ્યું હતું.
અંતમાં તેમણે આહવાન કર્યું હતું કે, તમામ પરિવારો સુરક્ષિત રહે, દરેક ઘરમાં વિજયાદશમીએ શસ્ત્ર પૂજન થાય અને હિન્દુ સમાજની દીકરીઓ નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે તેવો માહોલ ઊભો થાય તે વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે. સંસ્થા દ્વારા દીકરીઓને સંસ્કાર સાથે આત્મરક્ષાના પાઠ ભણાવવાના અભિગમને તેમણે મુક્ત મને બિરદાવ્યો હતો.


