ગરવી તાકાત ઃ 30-9-2026
‘ગતિ, ગુણવત્તા અને ગૌરવ’ સાથે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ના નિર્માણ અર્થે મહેસાણામાં ચિંતન શિબિર યોજાઈ
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હેઠળ મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ‘વર્તુળ કક્ષાની ચિંતન શિબિર’નું સફળ આયોજન મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું. “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ના પવિત્ર ધ્યેય સાથે યોજાયેલી આ ચિંતન શિબિરનો મુખ્ય વિષય “ગતિ, ગુણવત્તા, ગૌરવ: વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે માળખાગત સુવિધાઓને વેગવંતી બનાવવી” રાખવામાં આવ્યો હતો. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના આંતરમાળખાકીય વિકાસને વધુ સુદ્રઢ બનાવવાનો અને વિકાસ કાર્યો સમયમર્યાદામાં તેમજ ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરવાનો હતો.
આ પરિસંવાદમાં માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેરશ્રી એન.વી.વસૈયા તેમજ અધિક્ષક ઈજનેરશ્રી એલ.ડી.ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહેસાણા વર્તુળ કાર્યક્ષેત્ર હેઠળ સમાવિષ્ટ મહેસાણા, પાટણ, પાલનપુર, વાવ-થરાદ તેમજ ભુજ-કચ્છ વિભાગીય કચેરીઓના વરિષ્ઠ અધિકારીઓ અને ઈજનેરો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને તજજ્ઞો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહેલા પ્રકલ્પોની સમીક્ષા કરી પ્રજાલક્ષી માળખાગત સુવિધાઓના નિર્માણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
શિબિર દરમિયાન અધિકારીઓ અને ઈજનેરોની ક્ષમતા નિર્માણ, નવીન ક્ષેત્રોમાં તાલીમ, આધુનિક તકનીકોનો ઉપયોગ, ટકાઉ માર્ગ નિર્માણ, સરકારી ભવનોની કામગીરી અને ભવિષ્યના આયોજન સંબંધિત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસમાં માર્ગ અને મકાન વિભાગની ભૂમિકા વધુ અસરકારક બને તે માટે ઉપસ્થિત તમામ અધિકારીઓએ પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન કરી વિકાસ કાર્યોને નવી ગતિ અને ગુણવત્તા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
*


