મહેસાણા શહેરના કાયાકલ્પ માટે મહત્વપૂર્ણ સાત પ્રકલ્પોને મંજૂરી: ગટર, પર્યાવરણ અને રમતગમત ક્ષેત્રે નવી સુવિધાઓ ઊભી થશે
ગરવી તાકાત ઃ 30-9-2026
મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા આપતા અને નાગરિકોની માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરતા સાત મહત્વપૂર્ણ પ્રકલ્પોને સર્વાનુમતે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ સામાન્ય સભામાં લેવાયેલા પ્રજાલક્ષી નિર્ણયોથી મહેસાણામાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પર્યાવરણ સુધારણા, આધુનિક રમતગમત તેમજ ટ્રાફિક અને વાહનવ્યવહારના માળખાકીય વિકાસને મોટો વેગ મળશે. શહેરના નાગરિકોને વર્ષો જૂની ગટર ઉભરાવાની ગંભીર સમસ્યામાંથી કાયમી છુટકારો અપાવવા માટે પાલિકા દ્વારા વીસ વર્ષથી વધુ જૂની થઈ ગયેલી ભૂગર્ભ ગટર લાઈનોની ઓળખ કરી તેનો સંપૂર્ણ વિગતવાર સર્વે હાથ ધરાશે અને જરૂરિયાત મુજબ તબક્કાવાર નવી પાઇપલાઇનો નાખવાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ સાથે જ શહેરના તમામ સીવેજ પમ્પિંગ સ્ટેશન્સનું કેન્દ્રિયકૃત અને ઝડપી મોનિટરિંગ થઈ શકે તે માટે અદ્યતન સ્કાડા આધારિત સેન્ટ્રલાઈઝ્ડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે, જેથી કોઈપણ ખામી સર્જાય ત્યારે તેનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય.
શહેરીજનોના આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી શહેરના તળાવોની સ્થિતિ અને હવાની ગુણવત્તાના સચોટ મોનિટરિંગ તથા સુવ્યવસ્થિત સંચાલન માટે “લેક વોચ અને એર વોચ પ્રોજેક્ટ” અમલી બનાવવાની ભલામણને પણ મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત શહેરની સુંદરતા વધારવા અને ફ્લાયઓવર નીચેની ખાલી પડેલી વિશાળ જગ્યાનો લોકઉપયોગી હેતુ માટે ઉત્તમ ઉપયોગ કરવા ત્યાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. આ રમતગમત સંકુલ માટે જરૂરી તમામ મંજૂરીઓ મેળવવા, વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ (ડીપીઆર), ડિઝાઇન અને ટેકનિકલ દસ્તાવેજો તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂક કરી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ દરખાસ્ત મોકલવામાં આવશે.
વાહનવ્યવહારને સુગમ બનાવી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પોલીસ હેડ ક્વાર્ટરથી અમદાવાદ-પાલનપુર હાઇવે પર આવેલી દૂધસાગર ડેરી સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પણ હવે ઝડપી બનશે. આ બ્રિજના પ્લાન અને ડિઝાઇનને રેલવે વિભાગ તરફથી મંજૂરી મળી ગઈ હોવાથી, હવે વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરી જરૂરી સરકારી ગ્રાન્ટ મેળવવાની તથા રેલવે ડિપોઝિટ સહિતના ખર્ચની દરખાસ્ત રાજ્ય સરકારમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ સરકારી તથા મહાનગરપાલિકા હસ્તકની કિંમતી જમીનો પર થતા ગેરકાયદે દબાણોને અટકાવવા અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજનો માટે જમીનોનું રક્ષણ કરવા રાજ્ય સરકારના ઠરાવ મુજબ ફેન્સિંગ કરવામાં આવશે, જેમાં પંચોતેર ટકા સહાય ગ્રાન્ટ રાજ્ય સરકાર આપશે અને પચીસ ટકા ફંડ પાલિકા દ્વારા વહન કરવામાં આવશે. સામાન્ય સભામાં સામાજિક ન્યાય અને દિવ્યાંગોની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવા સંદર્ભે પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેમાં રાજ્ય સરકારે મંજૂર કરેલી ૩૧૯ નવીન જગ્યાઓ પૈકી મ્યુનિસિપલ સેક્રેટરી, બાગાયત અધિકારી, રમતગમત અધિકારી, પર્યાવરણ વ્યવસ્થાપક, ટેક્સ ઓફિસર, હિસાબી અધિકારી, બાયોલોજીસ્ટ, ડેઝીગનેટેડ ઓફિસર અને પબ્લિક રિલેશન ઓફિસર સહિતની વર્ગ-૧, ૨ અને ૩ ની કુલ ૯ મહત્વપૂર્ણ જગ્યાઓમાં દિવ્યાંગજનો માટે નિયમાનુસાર અનામત રાખવાનો નિર્ણય કરી તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે.


