ગરવી તાકાત 30-8-2026
પાલનપુર-આબુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા મલાણા પાટીયા નજીક એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કાશ્મીરથી સફરજનનો મોટો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઈ રહેલો એક ટ્રક રાજસ્થાન તરફથી આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક પલટી મારી ગયો હતો. મલાણા પાટીયા પાસે પહોંચતા જ ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં આ અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર ચાલક સહિત બે વ્યક્તિઓને હાથ તેમજ પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રકમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવી ટ્રક પલટી જવા પાછળના ચોક્કસ કારણો જાણવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


