ગાંધીનગરના ચરેડી વિસ્તારમાં બનેલી સનસનાટીભરી ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી

September 25, 2026

મોરને દાણા ખવડાવતા નિવૃત્ત સરકારી કર્મચારીની કરપીણ હત્યા

ગરવી તાકાત ઃ25-9-2026

પાટનગર યોજના વિભાગના નિવૃત્ત કર્મી રમેશભાઈ પટેલ પર અવાવરુ સરકારી પ્લોટમાં દાતરડા વડે જીવલેણ હુમલો: પોલીસે શંકાસ્પદ ચોકીદારની અટકાયત કરી

સેક્ટર-૨૧ પોલીસે હત્યાનો ગુનો નોંધી નાણાકીય લેવડ-દેવડ સહિતના વિવિધ પાસાંઓ પર સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત ચકચારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર-૨૬ ખાતે રહેતા અને મૂળ વાવોલ ગામના વતની એવા પાટનગર યોજના વિભાગના નિવૃત્ત કર્મચારી રમેશભાઈ મોતીભાઈ પટેલની ચરેડી સ્થિત એક અવાવરુ સરકારી પ્લોટમાં દાતરડા જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. વૃદ્ધ પોતાના નિત્યક્રમ મુજબ પક્ષીપ્રેમ દાખવીને સેંકડો મોરને મકાઈના દાણા ખવડાવવા ગયા હતા, ત્યારે જ આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. આ બનાવની જાણ થતાં જ સમગ્ર પાટનગરમાં ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની વિગતો મુજબ, રમેશભાઈ પટેલ દરરોજ નિયમિતપણે ચરેડી ખાતે આવેલી અવાવરુ સરકારી જગ્યામાં જતા હતા. ત્યાં તેઓ શાંતિથી ખુરશી પર બેસીને આસપાસથી એકઠા થતા સેંકડો રાષ્ટ્રીય પક્ષી મોરને મકાઈના દાણા નાખીને ચણ કરાવતા હતા. આજે પણ તેઓ પોતાના નિત્યક્રમ અનુસાર ત્યાં બેસીને મોરને દાણા ખવડાવી રહ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા શખસે પાછળથી કે ઓચિંતા આવીને તેમના પર દાતરડા જેવા અણીદાર હથિયાર વડે ઉપરાઉપરી ઘાતક હુમલા કર્યા હતા. હુમલો એટલો તીવ્ર અને અચાનક હતો કે રમેશભાઈને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો. તેઓ ઘટનાસ્થળે જ ખુરશી પર લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને થોડી જ ક્ષણોમાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

આ લોહિયાળ હત્યાકાંડની જાણ આસપાસના વિસ્તારમાં વાયુવેગે ફેલાતાં લોકોમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનને વાકેફ કરાતાં પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા અને રમેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા અને શંકાના દાયરામાં આવેલા તે જગ્યાના ચોકીદારને રાઉન્ડઅપ કરીને તેની આકરી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ આ હત્યાકાંડ પાછળ નાણાકીય વ્યવહાર જવાબદાર હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સેક્ટર-૨૧ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ચોકીદારના પુત્રના ભણતરનો ખર્ચ ઉઠાવતા હતા, તેણે જ દગો દીધો?
પોલીસ તપાસ દરમિયાન એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક હકીકત સામે આવી છે. રમેશભાઈ પટેલ જે જગ્યાએ પક્ષીઓને ચણ નાખવા જતા હતા, ત્યાં તહેનાત ચોકીદાર પ્રત્યે તેઓ ભારે દયાળુ ભાવ રાખતા હતા. એટલું જ નહીં, તેના પરિવારની નબળી સ્થિતિ જોઈને તેઓ ચોકીદારના દીકરાના અભ્યાસ માટે નિયમિત આર્થિક સહાય પણ પૂરી પાડતા હતા. જે વ્યક્તિ તેમના પરિવારને મદદ કરતી હતી તેમની સાથે જ આવો નિર્દયી વ્યવહાર થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ચોકીદાર પત્નીનો હત્યારો હોવાનો ઘટસ્ફોટ: નાણાંની લેવડ-દેવડમાં હત્યાની શંકા
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, અટકાયતમાં લેવાયેલો ચોકીદાર અગાઉ પણ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેણે ભૂતકાળમાં પોતાની જ પત્નીની હત્યા કરી હોવાની વિગતો સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. પ્રાથમિક દ્રષ્ટિએ રમેશભાઈ અને ચોકીદાર વચ્ચે રૂપિયાની લેવડ-દેવડ બાબતે કોઈ તકરાર થઈ હોવાની અને તે અદાવતમાં આ હત્યાકાંડ આચરવામાં આવ્યો હોવાની શંકા સેવાઈ રહી છે.

સંતાનો ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે
મૃતક રમેશભાઈના સંતાનો સુખી-સંપન્ન છે. તેમનો એક પુત્ર અને એક પુત્રી હાલ ઓસ્ટ્રેલિયા ખાતે સ્થાયી થયેલા છે. રમેશભાઈ મોરને દાણા ખવડાવવાના પોતાના રોજના શોખના સુંદર વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરતા હતા. આ કરુણ બનાવ અંગે ઓસ્ટ્રેલિયા રહેતા પુત્ર અને પુત્રીને જાણ કરવામાં આવી છે. પુત્ર ગાંધીનગર પરત પહોંચ્યા બાદ જ રમેશભાઈના પાર્થિવ દેહની અંતિમવિધિ સંપન્ન કરવામાં આવશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0