રાજવી મેસાજી ચાવડાએ ઇ.સ. 1358માં તોરણ બાંધીને સ્થાપેલા ઐતિહાસિક નગરની ભવ્ય વિકાસયાત્રા

September 21, 2026

મહેસાણા ગૌરવવંતા 668 વર્ષ પૂર્ણ કરી 669મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે: નગરદેવી તોરણવાળી માતાજીનું મંદિર સુવર્ણજડિત બનશે

ગરવી તાકાત ઃ21-9-2026

નાનકડા ગામમાંથી મહાનગરપાલિકા બનેલા શહેરમાં સ્થાપના દિને હવન અને નગરયાત્રા સહિતના ત્રિવિધ મહોત્સવ, મંદિરને 60 તોલા સોનાથી મઢવાનો ઐતિહા સિક સંકલ્પ

 

ઉત્તર ગુજરાતના હૃદયસમા મહેસાણા શહેર માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થાય તેવો ઐતિહાસિક, પવિત્ર અને અત્યંત ગૌરવપૂર્ણ બની રહ્યો છે. વિક્રમ સંવત અને ઇતિહાસના જીવંત દસ્તાવેજો મુજબ ઇ.સ. 1358માં ભાદરવા સુદ દશમના શુભ દિને પ્રતાપી રાજવી મેસાજી ચાવડા દ્વારા તોરણ બાંધીને મહેસાણા નગરની સ્થાપના કરવામાં આવી હતી. સમયના અવિરત વહેણ સાથે આ ગૌરવશાળી શહેરે પોતાના ભવ્ય અને સંઘર્ષપૂર્ણ 668 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આજે 669મા સ્થાપના વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. સદીઓ પહેલાં એક નાનકડા ગામડા સમાન વસેલું આ નગર આજે વિકાસના આરે એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે અને ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરીને તાજેતરમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો પણ પ્રાપ્ત કરી ચૂક્યું છે.

નગરની સ્થાપના સાથે જોડાયેલો ઇતિહાસ પણ એટલો જ રોમાંચક અને આસ્થાથી ભરેલો છે. તત્કાલીન રાજવી મેસાજી ચાવડાએ આ શહેર વસાવીને અહીં સર્વપ્રથમ બારોટ-બ્રહ્મભટ્ટ સમાજના લોકોને સન્માનભેર વસવાટ કરાવ્યો હતો. રાજા મેસાજીના નામ પરથી જ કાળક્રમે આ નગરનું નામ ‘મહેસાણા’ પડ્યું હોવાનો ઐતિહાસિક પુરાવો છે. સ્થાપનાની તે પવિત્ર ઘડીએ રાજા દ્વારા મુખ્ય પ્રવેશદ્વારે તોરણ બાંધીને નગરના રક્ષણ કાજે નગરદેવી તરીકે જગતજનની ‘તોરણવાળી માતાજી’ની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે જ મંદિરની સેવા-પૂજા, જાળવણી અને ધાર્મિક વિધિ-વિધાનોની તમામ પવિત્ર જવાબદારી બ્રહ્મભટ્ટ સમાજને સોંપવામાં આવી હતી, જે પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધાપૂર્વક અકબંધ જળવાઈ રહી છે.

આ ગૌરવવંતા 669મા સ્થાપના દિવસના પાવન અવસરે મહેસાણાના આરાધ્ય નગરદેવી શ્રી તોરણવાળી માતાજીના મૂળ મંદિરને સંપૂર્ણ સુવર્ણજડિત બનાવવાનો એક અત્યંત ઐતિહાસિક અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વે આ ભવ્ય મંદિર પર ચાંદીનું કલાત્મક સ્તર ચડાવવામાં આવેલું હતું, પરંતુ સમયના પ્રભાવ અને વાતાવરણના કારણે ચાંદી કાળી પડી જતી હોવાથી સમગ્ર સમાજ અને મંદિર ટ્રસ્ટ દ્વારા ગર્ભગૃહ તથા મંદિર પરિસરને સોનાથી મઢવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે. આ ભગીરથ સુવર્ણ કાર્ય માટે અંદાજે 52 થી 60 તોલા શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સુવર્ણ મઢવાના આ પવિત્ર કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હાલમાં કારીગરો દ્વારા સોનાનું પ્રથમ સ્તર એટલે કે લેયર સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સોમપુરા અને કુશળ સુવર્ણ કારીગરોના માર્ગદર્શન હેઠળ તબક્કાવાર રીતે બાકીના ત્રણથી ચાર સ્તર મઢવાની બારીક અને નયનરમ્ય કામગીરી હાથ ધરાશે. માતાજીના ધામને સુવર્ણ આભા આપવાનું આ સમગ્ર ભક્તિમય કાર્ય સમાજના ઉદારમના દાતાઓ અને ટ્રસ્ટના અવિરત સહયોગથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે.

સદીઓથી ચાલી આવતી ભવ્ય પરંપરાને અનુસરીને આજે શહેરના સ્થાપના દિવસ નિમિત્તે તોરણવાળી માતાજીના સાનિધ્યમાં પાવનકારી હવન-યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઢોલ-નગારા, શરણાઈના સૂર અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે શહેરમાં માતાજીની ભવ્ય નગરયાત્રા કાઢવામાં આવી હતી. પોતાના નગરના જન્મોત્સવ અને નગરદેવીના આશીર્વાદ મેળવવા માટે હજારોની સંખ્યામાં માઇભક્તો, આગેવાનો અને નગરજનો ઉમટી પડતાં સમગ્ર મહેસાણા શહેર ભક્તિ અને ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0