મહેસાણા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી પદયાત્રી સેવા કેમ્પોની મુલાકાત લીધી; માઈભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી

September 21, 2026

ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે સુરક્ષા અને પર્યાવરણ જાળવણીનો મંત્રીશ્રીએ આપ્યો મહત્વપૂર્ણ સંદેશ

ખેરાલુ વિસ્તારના સેવા કેમ્પોમાં મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ પદયાત્રીઓને માર્ગ સુરક્ષા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંગે કર્યું માર્ગદર્શન

ગરવી તાકાત ઃ 21-9-2026

 

ભાદરવી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના દર્શનાર્થે જતા લાખો પદયાત્રીઓની સેવા માટે મહેસાણા જિલ્લામાં ઠેર-ઠેર સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે. આ શ્રદ્ધાળુઓની સુવિધા અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ વિવિધ સેવા કેમ્પોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ માત્ર વ્યવસ્થાઓનું નિરીક્ષણ જ ન કર્યું, પરંતુ સ્વહસ્તે માઈભક્તોને ભોજન-પ્રસાદ પીરસીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને પદયાત્રીઓની સેવા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

 

પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ ખેરાલુ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થાપિત વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લીધી હતી. જેમાં સુરજ પરિવાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત શ્રી ચામુંડા સેવા કેમ્પ તેમજ સનાતન ફાઉન્ડેશન અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સંચાલિત સેવા કેમ્પોનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીએ આ કેમ્પોમાં પદયાત્રીઓ માટે તૈયાર કરવામાં આવેલા નાસ્તા, શુદ્ધ ભોજન પ્રસાદ અને વિશ્રામની વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા આયોજકો અને સ્વયંસેવકોના ઉત્સાહને બિરદાવી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.

આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ પર્યાવરણ સુરક્ષાના મુદ્દે વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કેમ્પના સંચાલકો અને સેવાભાવી કાર્યકરોને નમ્ર અપીલ કરી હતી કે યાત્રા માર્ગ પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કેમ્પમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો જોઈએ. તેમણે પ્લાસ્ટિકની વસ્તુઓના બદલે ઇકો-ફ્રેન્ડલી સામગ્રી અથવા ડિસ્પોઝેબલ ગ્લાસ અને સાધનોનો ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ધાર્મિક આસ્થાની સાથે પ્રકૃતિની રક્ષા કરવી એ પણ આપણી નૈતિક જવાબદારી છે, જેથી પદયાત્રાના માર્ગો પ્રદૂષણ મુક્ત રહે.

અંબાજી જતા માર્ગો પર પદયાત્રીઓ અને વાહનોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંત્રીશ્રીએ માર્ગ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પદયાત્રીઓને જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન માર્ગ અકસ્માતોથી બચવા માટે વિશેષ સાવચેતી રાખવી અનિવાર્ય છે. મંત્રીશ્રીએ શ્રદ્ધાળુઓને હંમેશા રોડની બાજુમાં ચાલવા અને રાત્રિના સમયે સજાગ રહીને વહીવટીતંત્ર દ્વારા સુનિશ્ચિત કરાયેલા માર્ગો પરથી જ પસાર થવા સલાહ આપી હતી. આ મુલાકાત પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, સેવા કેમ્પના આયોજકો અને મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0