મોઢેરા નજીક જય ગણેશ એન્ટરપ્રાઇઝમાં SMCનો સપાટો: રેઝીન બનાવવા વપરાતું ₹34.42 લાખનું સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા જપ્ત
ગરવી તાકાત ઃ તા.12-9-2026
ઔદ્યોગિક કેલ્શિયમ નાઇટ્રેટની થેલીઓમાં છુપાવેલો 76,500 કિલોગ્રામ જથ્થો ઝડપાયો; ડ્રાઇવર, કંડક્ટર સહિત ફેક્ટરી સંચાલક અને સપ્લાયર સામે ગુનો દાખલ
મહેસાણા જિલ્લાના મોઢેરા પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા રણેલા-જેતપુર માર્ગ પર કાર્યરત ‘જય ગણેશ એન્ટરપ્રાઇઝ’ નામની ઔદ્યોગિક ફેક્ટરીમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ખેતી માટે સરકાર તરફથી સબસિડી દરે અપાતા યુરિયા ખાતરનો મોટા પાયે ગેરકાયદેસર રીતે રેઝીન બનાવવાના ઔદ્યોગિક કામમાં ઉપયોગ થતો હોવાનું ખુલ્લું પડ્યું છે. ઘટનાસ્થળેથી ઝડપાયેલા શંકાસ્પદ જથ્થાના નમૂના ગાંધીનગર ખાતર ચકાસણી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેના પરીક્ષણ અહેવાલમાં આ જથ્થો સબસિડીવાળું ‘નીમ કોટેડ યુરિયા’ હોવાની સત્તાવાર પુષ્ટિ થતાં કાયદેસરનો ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, ફેક્ટરી પરિસરમાં શંકાસ્પદ ટ્રકમાંથી ખાતરની બોરીઓ ખાલી કરવામાં આવી રહી હતી. તંત્રને ગેરમાર્ગે દોરવા માટે ઔદ્યોગિક કેલ્શિયમ નાઇટ્રેટનું છાપકામ ધરાવતી સફેદ થેલીઓનો ઉપયોગ કરાયો હતો. પોલીસે સ્થળ પરથી આવી ૧૭૦૦ થેલીઓમાં ભરેલું કુલ ૭૬,૫૦૦ કિલોગ્રામ નીમ કોટેડ યુરિયા ખાતર જપ્ત કર્યું હતું, જેની બજાર કિંમત આશરે રૂપિયા ૩૪,૪૨,૫૦૦ થાય છે. ખેડૂતોના ઉપયોગ માટે ફાળવાયેલા આ ખાતરને બિનઅધિકૃત રીતે મેળવીને ફેક્ટરીમાં રેઝીન બનાવવાની પ્રક્રિયામાં વપરાશમાં લેવામાં આવી રહ્યું હતું.
આ ગેરરીતિ મામલે સ્થળ પરથી વાહન ચાલક બફાતીશા ભુરાશા ફકીર અને કંડક્ટર હબીબશા ઇમામશા ફકીરની અટકાયત કરવામાં આવી હતી. ઊંડાણપૂર્વકની પૂછપરછમાં સામે આવ્યું કે સિદ્ધપુરના ડિસ્ટ્રિબ્યુટર રોનક કમલેશભાઈ પટેલે કનીજ ચોકડી પાસે આવેલા ગોડાઉનમાંથી કોઈપણ બિલ કે આધાર પુરાવા વગર આ મોટો જથ્થો સપ્લાય કર્યો હતો, જ્યારે વિસનગરના જય ગણેશ એન્ટરપ્રાઇઝના સંચાલક પોપટજી હેમરાજજી ઠાકોરે આ ગેરકાયદેસર ખાતર ખરીદ્યું હતું. આ સમગ્ર કૌભાંડ સંદર્ભે મોઢેરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એન.એસ. શિંદેની ફરિયાદના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કડક કાનૂની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.


