મહેસાણામાં બૂટલેગરની દિલધડક કરતૂત: દારૂ ભરેલી ફોર્ચ્યુનરે પોલીસ કર્મીઓને કચડવાનો પ્રયાસ કરી સરકારી બોલેરોને બે વાર ઉડાવી, ફિલ્મી ઢબે ફરાર

September 8, 2026

ગરવી તાકાત ઃ 8-9-2026

મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ફિલ્મી ઢબે પોલીસ અને બૂટલેગર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી મીઠા ચોકડી ખાતે સાંજે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું, ત્યારે મહેસાણા તરફથી આવી રહેલી શંકાસ્પદ કાળા કાચવાળી સફેદ ફોર્ચ્યુનર કારને પોલીસે અટકાવવાનો ઇશારો કર્યો હતો. જોકે, કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફરજ પર તૈનાત અનાર્મ્ડ લોકરક્ષક શક્તિસિંહ તખતસિંહ પર કાર ચડાવી દઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. લોકરક્ષકે સમયસૂચકતા વાપરી તુરંત બાજુ પર ખસી જતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો.

આ ઘટના બાદ પોલીસે સરકારી બોલેરો ગાડી મારફતે ફોર્ચ્યુનરનો પીછો કર્યો હતો. બલોલ પેટ્રોલ પંપ નજીક કાર ઊભી રહેતા પોલીસે પૂછપરછ અને તપાસનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાચ ન ખોલતાં શંકા વધુ ઘેરી બની હતી. પોલીસે લાઠી મારી કાચ તોડી મોબાઇલની ફ્લેશ લાઇટથી તપાસ કરતાં અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નજરે પડી હતી. ભાંડો ફૂટી જતાં બૂટલેગરે ફરી ગાડી ભગાવી મૂકી હતી. પોલીસે તાબડતોબ આગળ નદાસા ચોકડી ખાતે પીએસઆઈ એમ.પી. ચૌધરી અને ટીમને એલર્ટ કરી રોડ પર આડશ કરાવી હતી.

પોલીસની નાકાબંધી જોઈ ગભરાયેલા ચાલકે ગાડી પાછી વાળી મહેસાણા તરફ દોડાવી હતી. આ દરમિયાન બલોલ ગામની સીમમાં લીંબચ માતાજીના મંદિર નજીક રોંગ સાઇડમાં ઘૂસીને ફોર્ચ્યુનરે સામેથી આવી રહેલી પોલીસની સરકારી બોલેરોને ડ્રાઇવર સાઇડ જોરદાર ટક્કર મારી હતી. આટલેથી ન અટકતા ચાલકે ગાડી રિવર્સ લઈ ફરીથી બીજી વાર જોશભેર ટક્કર મારી હતી. આ અથડામણમાં સરકારી વાહનનું બમ્પર અને વ્હિલ પ્લેટ વળી જતાં ટાયરમાંથી હવા નીકળી ગઈ હતી, જેના લીધે પોલીસ વાહન આગળ વધી શક્યું નહોતું. બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલે ફોર્ચ્યુનરનો રજીસ્ટ્રેશન નંબર GJ-16-BB-9944 નોંધી લીધો હતો. સ્થાનિક લોકોની નજર સામે જ બૂટલેગર અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.

સમગ્ર ઘટનાને પગલે જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરી ભાસરીયા હાઇવે સુધી સઘન નાકાબંધી કરાઈ હતી, પરંતુ બૂટલેગર હાથ લાગ્યો નહોતો. ફરજ પરના પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો કરવા, સરકારી વાહનને નુકસાન પહોંચાડવા અને મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા બદલ ફોર્ચ્યુનર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા, મોટર વ્હિકલ એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી સાંથલ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0