ગરવી તાકાત ઃ8-9-2026
પાટણ શહેરમાં નશાના કાળા કારોબાર સામે સીટી એ ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરીને રાજકાવાડા નિશાળની પોળ વિસ્તારમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડી છે. ગુપ્ત બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન પોલીસે લાખો રૂપિયાનું ડ્રગ્સ, રોકડ રકમ, મોબાઈલ ફોન અને પેકિંગ સામગ્રી સહિત કુલ ₹2,57,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તંત્રને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકાવાડા નિશાળની પોળ મહોલ્લામાં રહેતો ઈરફાનઅલી ઉર્ફે ધોની ઈમ્તિયાઝભાઈ સૈયદ અને તેની પત્ની ફિરોજાબાનુ કોઈપણ પાસ-પરમિટ વગર પોતાના ઘરમાં માદક પદાર્થ રાખીને તેનું છૂટક વેચાણ કરી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસ ટીમે ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા અને ખોરાક તેમજ ઔષધ નિયમન તંત્રના બે સરકારી પંચોને સાથે રાખીને આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન ઘરમાં હાજર ફિરોજાબાનુ સૈયદની હાજરીમાં ઘનની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન રસોડામાં મુકેલા સ્ટીલના એક ડબ્બામાંથી પારદર્શક ઝીપ લોક થેલીમાં છુપાવેલો આછા પીળાશ પડતા રંગનો શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક સ્થળ પર એફ.એસ.એલ. અધિકારી એચ.આર. પટેલને બોલાવી પ્રિલિમિનરી ડ્રગ આઈડેન્ટિફિકેશન કિટ વડે પરીક્ષણ કરાવતા તે પદાર્થ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ વજન કાંટાના વેપારી દિલીપભાઈ મોદીને બોલાવી ચોક્કસ માપણી કરાવતા 78.300 ગ્રામ શુદ્ધ એમડી ડ્રગ્સ નીકળ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹2,34,900 અંકાઈ છે.
ઘરની વધુ ઝડતી લેતા ડ્રગ્સ ઉપરાંત ગેરકાયદે વેચાણ માટે વપરાતી 76 નંગ નાની-મોટી ઝીપલોક થેલીઓ, એક સ્ટીલની ચમચી, ₹12,800ની રોકડ રકમ, ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને ₹100ની કિંમતનો નાનો ઈલેક્ટ્રિક વજન કાંટો પણ મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલી મહિલા આરોપીએ કબૂલાત કરી હતી કે આ નશાનો જથ્થો હરેશભાઈ પ્રજાપતિ તથા તેની સાથેના અન્ય બે અજાણ્યા શખ્સો બે-ત્રણ દિવસ અગાઉ વેચાણ અર્થે આપી ગયા હતા.
આ ચકચારી પ્રકરણમાં પાટણ સીટી એ ડિવિઝન પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ ગુનો દાખલ કરીને ફિરોજાબાનુ સૈયદની ધરપકડ કરી છે. જ્યારે આ કાળા કારોબારમાં સંડોવાયેલા તેના ફરાર પતિ ઈરફાનઅલી ઉર્ફે ધોની, ડ્રગ્સ સપ્લાય કરનાર હરેશ પ્રજાપતિ તેમજ અન્ય બે અજાણ્યા સાગરીતોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.


