રામોસણામાં માતાજીના મંદિર સહિત અંગત પ્લોટ પચાવી પાડવાના પેંતરા મામલે હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ ટ્રસ્ટના 10 હોદ્દેદારો સામે ગુનો દાખલ

September 6, 2026

ગરવી તાકાત ઃ 6-9-2026

મહેસાણા તાલુકાના રામોસણા ગામમાં કરોડો રૂપિયાની કિંમતી જમીન અને મેલડી માતાજીના મંદિરની મિલકત બોગસ દસ્તાવેજોના આધારે ટ્રસ્ટના નામે ચઢાવી હડપ કરી લેવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગામના 69 વર્ષીય વૃદ્ધ ખેડૂત ડાહ્યાભાઈ બબલદાસ પટેલની સ્વતંત્ર માલિકીના પ્લોટ પચાવી પાડવા માટે રચાયેલા ગુનાહિત કાવતરા સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા લાંબા સમય સુધી કાર્યવાહી ન કરાતાં આખરે મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. નામદાર ગુજરાત હાઈકોર્ટના કડક વલણ અને નિર્દેશ બાદ મહેસાણા તાલુકા પોલીસ મથકે ‘શ્રી મેલડી સેવક પરિવાર ટ્રસ્ટ’ સાથે સંકળાયેલા 10 શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી ડાહ્યાભાઈ પટેલે વર્ષ 1982માં રામોસણાની સીમમાં આવેલી સર્વે નંબર 508 (જૂનો બ્લોક નંબર 4) વાળી જમીન કાયદેસર રીતે વેચાણથી રાખી હતી. ત્યારબાદ વર્ષ 1983માં નિયમોનુસાર બિનખેતી (એન.એ.) કરાવી માધવનગર સોસાયટીનું આયોજન કર્યું હતું. આ સોસાયટી પૈકીના પ્લોટ તેમની અંગત માલિકીના રહ્યા હતા. વર્ષ 1998માં ડાહ્યાભાઈએ પોતાની માલિકીના પ્લોટમાં અંગત ખર્ચે શ્રી મેલડી માતાજીનું ભવ્ય મંદિર બનાવડાવ્યું હતું અને વર્ષ 2002માં શાસ્ત્રોક્ત વિધિથી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિરનું નિર્માણ થયા બાદથી આજદિન સુધી ફરિયાદી પોતે જ તેની નિયમિત સેવા-પૂજા અને દેખરેખ સંભાળી રહ્યા છે. આ મિલકત કે પ્લોટ તેમણે ક્યારેય કોઈ સંસ્થા કે ટ્રસ્ટને વેચાણ, ગીરો કે બક્ષિસ પેટે આપ્યા નથી.

તેમ છતાં રામોસણા સ્થિત ‘શ્રી મેલડી સેવક પરિવાર ટ્રસ્ટ’ના હયાત તેમજ નવા નિમાયેલા ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની દાનત બગડી હતી અને તેમણે આ કિંમતી જમીન તથા મંદિર હડપ કરી લેવાનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ ઓગસ્ટ 2025માં એક એજન્ડા બહાર પાડી મિટિંગ યોજી હતી, જેમાં ડાહ્યાભાઈની માલિકીની મિલકત અંગે સત્તાવાર કોઈ હક ન હોવા છતાં ખોટો ઠરાવ પસાર કરી નાખ્યો હતો. એટલું જ નહીં, આ બનાવટી ઠરાવને સાચા તરીકે રજૂ કરીને નાયબ ચેરિટી કમિશનર કચેરી, મહેસાણા ખાતે પરિશિષ્ટ-3 મુજબ ફેરફાર અરજી કરી પ્લોટ તથા મંદિરની મિલકત ટ્રસ્ટના નામે ચઢાવી દેવાનો ગેરકાયદે ખેલ રચ્યો હતો.

આ સમગ્ર ગેરરીતિ અંગે ફરિયાદીએ અગાઉ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, પરંતુ આરોપીઓ કુટુંબી સગા થતા હોવાથી પારિવારિક સંબંધો ન બગડે તે વિચારીને તુરંત ફોજદારી ફરિયાદ કરી ન હતી. જોકે કોઈ નિકાલ ન આવતાં અને અરજી પર નક્કર કાર્યવાહી ન થતાં ફરિયાદીએ ઓગસ્ટ 2026માં ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. હાઈકોર્ટના નિર્દેશ બાદ આખરે મહેસાણા તાલુકા પોલીસે ઈશ્વરભાઈ બબલદાસ પટેલ, જીવણભાઈ શીવરામદાસ પટેલ, બાબુભાઈ છગનદાસ પ્રજાપતિ, મનોજકુમાર રામભાઈ પટેલ, સુનિલભાઈ ખોડાભાઈ પટેલ, હસમુખભાઈ ઈશ્વરલાલ પટેલ, પ્રકાશચંદ્ર જોઈતારામ પટેલ, હરેશકુમાર વીરાભાઈ પટેલ, રવિકુમાર ગણપતભાઈ પટેલ અને શૈલેષકુમાર શંકરભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0