વિસનગરની જ્વેલર્સની દુકાનમાં નજર ચૂકવી ચોરી કરનાર રાજસ્થાની ગેંગની મહિલારુ.2.48 લાખની રોકડ સાથે મહેસાણા એલસીબીના સકંજામાં
ગરવી તાકાત ઃ6-9-2026
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિસનગર શહેરની એક જ્વેલર્સની દુકાનમાં નજર ચૂકવીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરનાર આંતરરાજ્ય ગેંગ સામે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનની કુખ્યાત મોગિયા (બાગરી) ગેંગની એક સક્રિય મહિલા સાગરીતને એલસીબીની ટીમે બાતમીના આધારે મહેસાણાના રામોસણા બ્રિજ નજીકથી ઝડપી પાડી છે.
એલસીબી પીઆઈના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં કાર્યરત હતી, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને ચોક્કસ સંયુક્ત બાતમી મળી હતી કે અગાઉ વિસનગરની જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીના સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલાના શારીરિક વર્ણનવાળી એક શકમંદ મહિલા મહેસાણા રામોસણા બ્રિજના છેડે આવેલી દર્શન હોટેલ નજીક ઊભી છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરીને મેહનતા ઉર્ફે કજોડી સત્યવાન બાગરી (ઉંમર વર્ષ 30, રહેવાસી બારા, રાજસ્થાન) નામની મહિલાને અટકાયતમાં લીધી હતી.
પોલીસે મહિલા પાસેથી રુ.2,48,000ની રોકડ રકમ જપ્ત કરી કડક પૂછપરછ હાથ ધરતાં તેણે કબૂલાત કરી હતી કે આશરે એકાદ મહિના અગાઉ તેણે પોતાના સાગરીતો સાથે મળીને વિસનગરની જ્વેલર્સની દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ચોરી અંગે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયેલો હોવાથી ઝડપાયેલી મહિલાને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી અર્થે વિસનગર શહેર પોલીસને સોંપવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ સાગરીતો લક્ષ્મીબેન બાગરી, સુમન ઉર્ફે સુશીલા બાગરી અને લોકેશ બાગરી હાલ ફરાર હોવાથી પોલીસે તેમને પકડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.


