ગરવી તાકાત ઃ1-9-2026
મહેસાણાના અલોડાથી ધિણોજ હાઈવે માર્ગ પર સિકોતર માતાજીના મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની સ્વિફ્ટ કાર સામે અચાનક કૂતરું આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા, જે બાદ ઈજાગ્રસ્ત માતાએ પોતાના જ કારચાલક પુત્ર વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો અનુસાર, ચાણસ્માના ઈંદિરાનગરમાં રહેતો નાઈ પરિવાર દેલા ગામે સિકોતર માતાજીના મંદિરે દર્શન કરી પોતાની સ્વિફ્ટ કાર (GJ 24 X 7019) મારફતે પરત ફરી રહ્યો હતો. બપોરે આશરે ૧૨ વાગ્યાના સુમારે અલોડા-ધિણોજ રોડ પર પૂરઝડપે જતી કાર સામે અચાનક શ્વાન આવી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર કુદાવીને બે-ત્રણ ગોથાં ખાઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં કારમાં સવાર કપિલાબેન નાઈ, તેમના સાસુ સકરીબેન તથા પુત્ર પાર્થ ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક રાહદારીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સકરીબેનને બંને ઢીંચણના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.
બનાવ અંગે ઈજાગ્રસ્ત કપિલાબેન નાઈએ પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જવા બદલ પોતાના પુત્ર અને કારચાલક પાર્થ અશોકકુમાર નાઈ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવતાં પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.


