મહેસાણા હાઈવે પર રાત્રે ફિલ્મી ઢબે ‘મિર્ઝાપુર’ જેવી ગેંગવોર ઘટના

August 31, 2026

સ્કોર્પિયો સવારોએ ફોર્ચ્યુનરને ત્રણ ટક્કર મારી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું: ફરિયાદ નોંધાવવા પહોંચેલા મસ્તાની ગેંગના કુખ્યાત ભાવેશ ઝીલિયાની કારમાંથી જ લોડેડ રિવોલ્વર અને છરો મળતાં ધરપકડ

ગરવી તાકાત ઃ 31-8-2026

જાનથી મારી નાખવાના ઇરાદે થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત બનેલો શખ્સ પોલીસ મથકે રક્ષણ મેળવવા પહોંચ્યો પણ ગુનાહિત ઇતિહાસને પગલે વાહનની તલાશી લેવાતાં ગેરકાયદે હથિયારો સાથે રૂ. 11.20 લાખનો મુદ્દામાલ ઝડપાયો

મહેસાણા શહેરના હાઈવે માર્ગ પર 30 ઓગસ્ટની રાત્રે અંદાજે સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં ગેંગવોરનો સનસનાટીભર્યો બનાવ બનતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ચાણસ્માના ઝીલીયા ગામનો વતની અને મસ્તાની ગેંગ તરીકે કુખ્યાત એવો ભાવેશ બળદેવભાઈ રબારી પોતાના સાથીદારો વિપુલ ઉર્ફે વલણ રઘુભાઈ રબારી તથા કરણ બળદેવભાઈ રબારી સાથે નંબર પ્લેટ વિનાની ફોર્ચ્યુનર કાર લઈને મહેસાણા આવ્યો હતો. આ દરમિયાન હાઈવે રોડ પર આવેલા પકવાન ડાઈનિંગ હોલ નીચે માધવી પાર્લર નજીક કાળા કાચ ધરાવતી અને નંબર પ્લેટ વગરની સફેદ સ્કોર્પિયોમાં ધસી આવેલા અજાણ્યા હુમલાખોરોએ ભાવેશ ઝીલિયાની ફોર્ચ્યુનરને ડ્રાઈવર સાઈડથી જોરદાર ટક્કર મારી હતી. હુમલાખોરોએ ગાડી વારંવાર રિવર્સ લઈને સતત બેથી ત્રણ વખત ફોર્ચ્યુનરને જોરદાર ટક્કરો મારી સ્થળ પર ભારે દહેશત ફેલાવી દીધી હતી.

ટક્કરો માર્યા બાદ સ્કોર્પિયોની ડ્રાઈવર સીટ પર બેઠેલા અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાના સ્પષ્ટ ઈરાદે રિવોલ્વર જેવા હથિયાર વડે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, અને ત્યારબાદ કારના પાછળના કાચમાંથી પણ બીજો રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મી ઢબે થયેલા જીવલેણ હુમલામાં ભાવેશ ઝીલિયાના ડાબા હાથના પંજાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગોળીબારની આ ઘટનાને અંજામ આપ્યા બાદ સ્કોર્પિયો ચાલક પોતાના સાગરિતો સાથે કાર ભગાવી નાગલપુર તરફ નાસી છૂટ્યો હતો. અચાનક થયેલા હુમલાથી ગભરાયેલા ભાવેશ ઝીલિયા અને તેના સાથીદારો પોતાનો જીવ બચાવવા તેમજ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી રક્ષણ મેળવવા માટે તાત્કાલિક પોતાની ફોર્ચ્યુનર કાર હંકારીને મહેસાણા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં તેમણે અજાણ્યા સ્કોર્પિયો સવારો સામે આખી આપવીતી જણાવી હતી.

પોલીસ મથકે પહોંચેલા ભાવેશ રબારી અને વિપુલ રબારી ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની વિગતો સામે આવતાં પોલીસને શંકા ગઈ હતી. જેને પગલે પોલીસે તાત્કાલિક તેમની ફોર્ચ્યુનર કારની ઝીણવટભરી તલાશી લેવાની કામગીરી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે કારના ડેશબોર્ડમાંથી એક કાળા રંગની રિવોલ્વર અને તેમાં પહેલેથી લોડ કરેલા 6 નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ ઉપરાંત કારની વચલી સીટ નીચેથી 16 ઇંચ લાંબી ધારદાર લોખંડની બ્લેડ ધરાવતો લાકડાના હાથાવાળો એક ઘાતક છરો પણ મળી આવ્યો હતો. આ હથિયારો બાબતે કાયદેસરની કોઈ પાસ કે પરમિટ આરોપીઓ રજૂ કરી શક્યા નહોતા.

પોલીસ દ્વારા હાથ ધરાયેલી કડક પૂછપરછમાં ભાવેશ ઝીલિયાએ કબૂલાત કરી હતી કે આ ગેરકાયદે રિવોલ્વર તેણે ચારેક મહિના અગાઉ ગાંધીધામ ખાતે રહેતા રામનારાયણ ઉર્ફે રાકેશ શર્મા નાથાણી પાસેથી રૂ. 40 હજારમાં ખરીદી હતી. આથી પોલીસે રૂ. 40,600 ની કિંમતની લોડેડ રિવોલ્વર, રૂ. 10 લાખની કિંમત ગણીને ફોર્ચ્યુનર કાર, રૂ. 80 હજારની કિંમતના 3 મોબાઈલ ફોન તથા છરો મળીને કુલ રૂ. 11,20,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહેસાણા બી ડિવિઝન પોલીસે ભાવેશ, વિપુલ અને કરણ સામે આર્મ્સ એક્ટ તથા જી.પી. એક્ટ હેઠળ ગેરકાયદે હથિયાર રાખવા બદલ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે, જ્યારે હથિયાર આપનાર ગાંધીધામના શખ્સ તેમજ સામે પક્ષે ફાયરિંગ કરનારા સ્કોર્પિયો સવારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0