મહેસાણા મોઢેરા બસ પોર્ટ બહાર ઈકોમાં મુસાફરો બેસાડવાની સામાન્ય બાબતે લોહિયાળ ખેલાયો ખેલ

August 31, 2026

સવારે પેસેન્જર ભરવા મુદ્દે થયેલી બોલાચાલીની અદાવતમાં બપોરે છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા: એક ગંભીર ઘાયલ

ગરવી તાકાત ઃ 31-8-2026

નાગલપુરના સાબિરહુસેન સૈયદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, ગંભીર રીતે ઘવાયેલા માજિદને અમદાવાદ સિવિલ ખસેડાયા: પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી

મહેસાણા શહેરના મોઢેરા એસટી બસ પોર્ટ બહાર પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સવારના સમયે ઈકો ગાડીમાં મુસાફરો બેસાડવા મુદ્દે થયેલી બોલાચાલીની અદાવત રાખીને બપોરના સુમારે ત્રણથી વધુ શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કરી એક યુવકને રહેંસી નાખતાં ચકચાર મચી ગઈ છે. આ હિચકારા હુમલામાં અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના મોટા ભાઈ સૈયદ નઝીર હુસેને નોંધાવેલી વિગતો મુજબ, નાગલપુર ખાતે રહેતા તેમના નાના ભાઈ સાબિરહુસેન ગુલામ રસૂલ સૈયદ સવારે આશરે છ વાગ્યાના સુમારે મોઢેરા ચોકડી ખાતે ઊભા હતા. તે દરમિયાન ઈકો કારમાં પેસેન્જર બેસાડવાની નજીવી બાબતે નાગલપુરના સાકિર હુસેન રફીક મોહમ્મદ સૈયદ તથા હૈદરી ચોકના રહેવાસી ડ્રાઇવર ઇનુસ ખાન સાથે સાબિરહુસેનને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે તે સમયે આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક વચ્ચે પડીને મામલો શાંત પાડી દીધો હતો.

આ સામાન્ય તકરારનો સુખદ અંત આવવાને બદલે સાકિર હુસેને મનમાં ભારે અદાવત રાખી હતી. બપોરના સમયે સાકિરે હૈદરી ચોક તરફથી ત્રણ જેટલા અજાણ્યા હુમલાખોરોને બોલાવી લીધા હતા. મોઢેરા ચોકડી પાસે ઊભેલા સાબિરહુસેન પર આ શખ્સોએ એકાએક જીવલેણ હુમલો કરી છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. આ જીવલેણ હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા સાબિરહુસેન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે સાબિરહુસેનની સાથે રહેલા માજિદ નામના અન્ય એક યુવક પર પણ છરી વડે હુમલો થતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘવાયા હતા.

હુમલામાં ગંભીર ઈજા પામેલા માજિદને તાબડતોબ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની ગંભીર હાલતને જોતાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કર્યા હતા. ધોળે દિવસે બનેલી હત્યાની આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે તેમજ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે બંને પક્ષના લોકોના વિશાળ ટોળાં ઉમટી પડ્યાં હતાં, જેને પગલે વાતાવરણમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં જ મહેસાણા શહેર પોલીસે કાફલા સાથે દોડી આવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી ફરાર થઈ ગયેલા હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે નાકાબંધી સહિતની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0