જોટાણાના મરતોલી ગામે કેસર ભવાની ચેહર માતાજીના મંદિરે લાખો શ્રદ્ધાળુઓએ શીશ નમાવ્યું; જયઘોષથી ગૂંજી ઊઠ્યું પરિસર
ગરવી તાકાત ઃ28-8-2026
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં સ્થિત સુપ્રસિદ્ધ અને પૌરાણિક યાત્રાધામ મરતોલી ખાતે બિરાજમાન શ્રી કેસર ભવાની ચેહર માતાજીના મંદિરે પવિત્ર શ્રાવણ સુદ પૂર્ણિમાના શુભ અવસરે આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણી પૂનમનો વિશેષ મહિમા હોવાના કારણે વહેલી સવારની મંગળા આરતીથી જ સમગ્ર ગુજરાતભરમાંથી લાખો ભક્તો માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે મરતોલી ધામ પહોંચી ગયા હતા. મંદિર પરિસર તરફ જતા તમામ માર્ગો ભક્તિમય રંગમાં રંગાઈ ગયા હતા અને શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહથી સમગ્ર ગામ જીવંત બની ગયું હતું.
શ્રાવણ પૂર્ણિમાના આ પાવન દિવસે ચેહર માના દર્શનનું અનોખું આધ્યાત્મિક મહત્વ રહેલું છે, જેના ભાગરૂપે મંદિર પરિસરને દેશ-વિદેશના વિવિધ સુગંધિત અને રંગબેરંગી ફૂલો તેમજ આકર્ષક રોશનીથી અત્યંત ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. માતાજીનો શણગાર પણ મનમોહક રીતે કરવામાં આવ્યો હતો. આ પવિત્ર દિવસે આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત દૂર-દૂરથી હજારો માઈભક્તો પોતાના હાથમાં માતાજીની પચરંગી ધજાઓ લહેરાવતા, મુખે ‘જય ચેહર મા’ના ગગનભેદી જયઘોષ બોલાવતા પગપાળા સંઘો સાથે આવી પહોંચ્યા હતા. ભક્તોના ઉત્સાહ અને અડગ આસ્થા આગળ લાંબી પદયાત્રાનો થાક પણ ઓગળી ગયો હતો.
આટલી વિશાળ જનમેદની વચ્ચે પણ દર્શનાર્થે આવેલા કોઈપણ ભાવિક ભક્તને સહેજ પણ અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આગોતરું અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ કતારબદ્ધ દર્શન વ્યવસ્થા, સતત પીવાના શુદ્ધ પાણી અને ચા-નાસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થાને સુપેરે પાર પાડવા માટે ૪૦થી વધુ સમર્પિત સ્વયંસેવકો રાઉન્ડ ધ ક્લોક ખડેપગે રહીને નિઃસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા હતા.
આ ઉપરાંત ભક્તોની જઠરાગ્નિ તૃપ્ત કરવા માટે શ્રી કેશર ભવાની અન્નક્ષેત્ર સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય અને વિનામૂલ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦,૦૦૦થી પણ વધુ ભાવિક ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન મરતોલી ધામ ચેહર માતાજીના જયજયકાર, ભક્તિ ગીતો અને મંત્રોચ્ચારથી ગુંજાયમાન રહ્યું હતું અને લાખો ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતાનો અનુભવ કર્યો હતો.


