મહેસાણા એલસીબી પોલીસનો સપાટો: કેનાલ નજીક બાવળની ઝાડીઓમાં ચાલતા અડ્ડા પર ત્રાટકી ટીમ

August 27, 2026

કડીના દેઉસણા ગામે ચાલતી દેશી દારૂની મોટી ભઠ્ઠી ઝડપાઈ: ₹૧.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત

ગરવી તાકાત ઃ 27-8-2026

૪૪૦૦ લિટર ગરમ આથો અને સાધનોનો સ્થળ પર નાશ કરાયો, બૂટલેગર વિરમજી ઉર્ફે અપ્પુ ફરાર

મહેસાણા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક તેમજ ગેરકાયદે પ્રવૃત્તિઓનું દૂષણ સંપૂર્ણપણે ડામી દેવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના પગલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરીને કડી તાલુકાના દેઉસણા ગામે ધમધમતી દેશી દારૂ બનાવવાની એક વિશાળ ભઠ્ઠીનો પર્દાફાશ કરી પ્રશંસનીય સફળતા મેળવી છે.

એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.ડી. કાકરેચા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દેઉસણાથી જાદવપુરા ચોકડી તરફ જતા માર્ગ પર આવેલી માઇનોર કેનાલ નજીકના તળાવ કાંઠે બાવળની ગીચ ઝાડીઓમાં છૂપી રીતે મોટાપાયે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી છે. બાતમીના આધારે એલસીબીની ટીમે કોઈને ગંધ પણ ન આવે તે રીતે વ્યૂહાત્મક ઘેરાબંધી કરીને સ્થળ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો.

પોલીસ ટીમે સ્થળ પર સઘન તપાસ કરતા દેશી દારૂ ગાળવા માટે તૈયાર કરાયેલો રૂપિયા ૧,૧૦,૦૦૦ ની કિંમતનો આશરે ૪૪૦૦ લિટર ગરમ આથો તેમજ રૂપિયા ૨,૦૦૦ ની કિંમતનો ૧૦ લિટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી દેશી દારૂ બનાવવામાં વપરાતા ૨૦૦ લિટરની ક્ષમતાવાળા ૨૩ નંગ પ્લાસ્ટિકના મોટા પીપ સહિત અન્ય સાધન-સામગ્રી કબ્જે કરી હતી. પોલીસે પંચોની રૂબરૂમાં જ સ્થળ પર ૪૪૦૦ લિટર આથો અને સાધનોનો નાશ કરીને કુલ રૂપિયા ૧,૧૨,૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

આ ગેરકાયદે ભઠ્ઠી ચલાવનાર મુખ્ય સૂત્રધાર બૂટલેગર વિરમજી ઉર્ફે અપ્પુ લાલાજી ઠાકોર (રહે. દેઉસણા, ઠાકોરવાસ, તા. કડી) પોલીસના દરોડા સમયે સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો અને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ સમગ્ર મામલે કડી પોલીસ મથક ખાતે ફરાર આરોપી વિરમજી ઉર્ફે અપ્પુ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને ઝડપી લેવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0