ધાનેરા નજીકથી ટાટા સફારી ગાડીમાંથી રુ.૩૪.૩૦ લાખનો ૨૨૮.૭ કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો; વાહન સહિત કુલ રુ.૫૦.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત
ગરવી તાકાત ઃ 28-8-2028
બનાસકાંઠા રેન્જમાં માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ પર સંપૂર્ણપણે અંકુશ મેળવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ દ્વારા રેન્જ વિસ્તારમાં એનડીપીએસ અંતર્ગત આવતા નશીલા પદાર્થોની તસ્કરીને નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓના પગલે રેન્જ પોલીસ સ્ટાફ સતત કાર્યરત હતો. આ દરમિયાન ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે એક વૈભવી ટાટા સફારી ગાડીમાંથી લાખો રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે.
બનાસકાંઠા રેન્જ પોલીસ સ્ટાફને એક ચોક્કસ અને વિશ્વસનીય બાતમી મળી હતી કે, ગ્રે કલરની એક શંકાસ્પદ ટાટા સફારી ગાડી (નંબર 23-બીએચ-8188-સી) માં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનો મોટો જથ્થો ભરીને ડીસાથી ધાનેરા માર્ગે થઈ રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે રેન્જ પોલીસની ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને ધાનેરા ખાતે વ્યૂહાત્મક રીતે વોચ ગોઠવી સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમી મુજબની ટાટા સફારી ગાડી પૂરપાટ ઝડપે આવતી જણાતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગળ પોલીસનું કડક ચેકિંગ જોઈને ગાડીનો ચાલક અને તેની સાથે સવાર અન્ય અજાણ્યો ઈસમ અચાનક વાહન રસ્તા પર જ બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો ગેરલાભ ઉઠાવી ખેતરો અને ઝાડીઓમાં નાસી છૂટ્યા હતા.
પોલીસ ટીમે તાત્કાલિક શંકાસ્પદ ટાટા સફારી વાહનની ઝીણવટભરી તલાશી લેતા ગાડીની અંદરથી કાળા રંગના પ્લાસ્ટિકના કુલ ૧૨ મોટા કટ્ટા મળી આવ્યા હતા. જેનું વજન અને તપાસ કરતા તેમાંથી કુલ ૨૨૮.૭ કિલોગ્રામ ગેરકાયદે પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે રુ.૩૪,૩૦,૫૦૦ જેટલી આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રુ.૧૬,૦૦,૦૦૦ ની કિંમતની ટાટા સફારી ગાડી તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વાહનમાં રાખેલી અલગ-અલગ રાજ્યોની નંબર પ્લેટોની ૬ જોડ મળીને કુલ ₹૫૦,૩૦,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો છે.
આ સમગ્ર મામલે નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલક અને તેના સાગરીત વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટની કલમ 8(સી), 15(સી) અને 29 મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ નશાનો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને રાજસ્થાનમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.


