અમદાવાદ મંડળના DRMની ‘ઝીરો ટૉલરન્સ’ નીતિ હેઠળ સપાટો: એક યુનિટ સીલ કરાયું

August 27, 2026

મહેસાણા સહિત ૧૫ સ્થળોએ રેલવેના કેટરિંગ યુનિટ્સ પર ઓચિંતા દરોડા: કુલ રુ.૪૦ લાખનો તોતિંગ દંડ ફટકારાયો

ગરવી તાકાત ઃ27-8-2026

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ટ્રેનોમાં મુસાફરી કરતા લાખો યાત્રીઓને શુદ્ધ, સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તેવા હેતુથી ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ ખૂબ જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મંડળના ડીઆરએમ વેદ પ્રકાશ દ્વારા ખાસ રચવામાં આવેલી રેલવે ફૂડ વિજિલન્સ ટીમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેલવે મુસાફરો માટે ખોરાકનો પુરવઠો પૂરો પાડતા મહેસાણા, અમદાવાદ, પાલનપુર, વિરમગામ અને ગાંધીધામ સહિતના ૧૫ જેટલા સ્થળો પર આવેલા બેઝ કિચન તેમજ કેટરિંગ સંસ્થાઓ પર એકસાથે ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન મોટાપાયે જોવા મળેલી ગંભીર બેદરકારી બદલ રેલવે પ્રશાસને દોષિત કેટરિંગ સેવા પ્રદાતાઓ સામે લાલઆંખ કરીને કુલ ૪૦ લાખ રૂપિયાનો તોતિંગ દંડ ફટકાર્યો છે અને એક યુનિટને તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધું છે.

નિરીક્ષણ દરમિયાન મહેસાણાના માલગોડાઉન રોડ પર આવેલા બેઝ કિચનની તપાસ કરતા ત્યાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન હોવાનું અને નિર્ધારિત કિચનને બદલે બહારથી અન્ય સ્થળેથી તૈયાર ખોરાક લાવી સપ્લાય કરવામાં આવતો હોવાનું ખૂલ્યું હતું, જેના કારણે મહેસાણા યુનિટને રૂપિયા ૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદના ડબ્બા બજાર સરસપુર ખાતે આવેલા બેઝ કિચનમાં ખુલ્લા અને અનસીલ મસાલા, સડેલા શાકભાજી, ખરાબ ફ્રીઝર, અત્યંત અસ્વચ્છ વાતાવરણ, સ્ટાફના યોગ્ય યુનિફોર્મ અને ગ્લોવ્ઝ-કેપનો અભાવ તેમજ રેકોર્ડની જાળવણી ન હોવાનું સામે આવતા આ યુનિટને સ્થળ પર જ સીલ કરી બંધ કરાવી દેવાયું હતું અને રૂપિયા ૫ લાખનો દંડ કરાયો હતો. આ ઉપરાંત અમદાવાદના સાબરમતી સ્થિત ધર્મનગર બેઝ કિચનમાં સડેલા બટાકા અને ગટરની ક્ષતિગ્રસ્ત જાળી સહિતની ગંદકી બદલ ૫ લાખ તેમજ સરસપુરમાં અન્ય જગ્યાએથી ખોરાક લાવવા બદલ ૫ લાખનો દંડ કરાયો હતો.

અમદાવાદમાં યુનિવર્સિટી પાસે આવેલ વિષ્ણુ એસ્ટેટના બેઝ કિચનમાં કાચીપાકી રોટલીઓ, માખીઓનો ઉપદ્રવ અને તાપમાનના રેકોર્ડના અભાવે ૫ લાખ અને સરસપુરના વોરા ના રોઝા ખાતે આવેલા યુનિટમાં એક્સપાયરી ડેટ વીતી ગયેલી ખાદ્ય સામગ્રીનો સ્ટોક મળી આવતા સૌથી મોટો રૂપિયા ૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય ગાંધીધામના સપના નગર અને આદિપુરમાં બેઝ કિચન બંધ મળી આવતા બંનેને ૧-૧ લાખનો દંડ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના પાલનપુરમાં આવેલા બેઝ કિચનમાં સાફ-સફાઈનો અભાવ, દૂષિત શાકભાજી, ખુલ્લામાં લાકડાના બળતણથી રસોઈ બનાવવી અને કવર વગરની કચરાપેટીઓ જેવી ગંભીર ક્ષતિઓ જણાતા રૂપિયા ૧ લાખનો દંડ કરાયો હતો. જ્યારે વિરમગામ ખાતે રિફ્રેશમેન્ટ રૂમમાં વંદા અને માખીઓ વચ્ચે ગંદા કપડાથી ઢાંકેલા કાચા વડાં અને અનધિકૃત વેન્ડરોની હાજરી જણાતા રૂપિયા ૫૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રેલવે વહીવટીતંત્ર દ્વારા તમામ ખાદ્ય સેવા પ્રદાતાઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કોઈપણ પ્રકારની ઢીલાશ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઓચિંતી સઘન તપાસ ઝુંબેશ ચાલુ રહેશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0