ઊંઝા ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ગરિમાપૂર્ણ ઉજવણી

August 27, 2026

ગરવી તાકાત ઃ 27-8-2026

મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત ઐતિહાસિક કે.એલ. પટેલ કન્યા વિદ્યાલયના પટાંગણમાં ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ગરિમામય સમારોહમાં પર્યાવરણ સુરક્ષા અને પ્રકૃતિના સંતુલન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદની, વન વિભાગના અધિકારીઓ અને પ્રકૃતિપ્રેમીઓને પ્રેરક સંબોધન કરતા મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, પ્રકૃતિની જાળવણી એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. આપણી વૈદિક પરંપરામાં નદીઓને લોકમાતા, પર્વતોને પૂજનીય અને વૃક્ષોમાં સાક્ષાત્ ઈશ્વરનો વાસ જોવાની દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી છે, જેને આધુનિક યુગમાં પણ જીવંત રાખવી અનિવાર્ય છે.

વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે બદલાતા વાતાવરણ અને અનિયમિત ઋતુચક્ર સામે ચિંતા વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીના ગંભીર પર્યાવરણીય પડકારોને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વ હવે ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. તેમણે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વૃક્ષારોપણને માત્ર ભૌતિક પ્રક્રિયા ન ગણતા તેને સામાજિક લાગણીઓ અને સંસ્કારો સાથે જોડવું પડશે. પરિવારમાં બાળકના જન્મોત્સવ કે વડીલોની પુણ્યસ્મૃતિ જેવા પવિત્ર પ્રસંગોએ વૃક્ષ વાવીને પર્યાવરણ પ્રત્યેનું ઋણ ચૂકવવું જોઈએ. આ સાથે જ કનૈયાલાલ મુનશી દ્વારા શરૂ કરાયેલા વન મહોત્સવને સરકારી પરિપત્રોની સીમાઓમાંથી બહાર લાવી સાચા અર્થમાં એક લોકઆંદોલન બનાવવાની તાતી જરૂરિયાત છે.

વૃક્ષોના વાવેતર અને ઉછેર અંગે વ્યવહારુ માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૃથ્વી અને તેની કુદરતી સંપત્તિ આપણી વ્યક્તિગત માલિકી નથી પરંતુ ભાવિ પેઢી માટે આપણને સોંપાયેલી અણમોલ થાપણ છે. માત્ર વૃક્ષ વાવીને સંતોષ માનવાને બદલે તે સંપૂર્ણપણે સ્વયં સક્ષમ ન બને ત્યાં સુધી એટલે કે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી તેનું બાળકની જેમ જતન કરવું જરૂરી છે. રાજ્ય સરકારની ‘વન કવચ’ યોજના થકી છેવાડાના ગામડાઓ સુધી હરિયાળી ફેલાવવાનો સંકલ્પ દોહરાવતા તેમણે ગ્રામ પંચાયતોને ખાસ આહ્વાન કર્યું હતું કે, સુકાઈ ગયેલા કે કટિંગ કરાયેલા વૃક્ષોમાંથી થતી પંચાયતની આવકનો ઉપયોગ અન્ય વિકાસકામોમાં કરવાને બદલે ફરજિયાતપણે નવા વૃક્ષોના વાવેતર, રક્ષણ અને ઉછેર પાછળ જ કરવો જોઈએ.

આ કાર્યક્રમ દરમિયાન અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી આર.કે. સુગુર દ્વારા વન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વનીકરણની પ્રગતિ અંગે વિસ્તૃત રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. સમારોહના ભાગરૂપે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે તાલુકા વિકાસ અધિકારીઓને વિવિધ યોજનાકીય ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોના સરપંચોને પ્રશસ્તિપત્ર એનાયત કરી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના ઉત્તરાર્ધમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાલયના પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે વૃક્ષારોપણ કર્યું હતું અને સમગ્ર પંથકમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી ‘વૃક્ષ રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ગરિમામય અવસરે ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, કડીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ચાવડા, ઊંઝા એપીએમસી ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ મહેસાણાના નાયબ વન સંરક્ષક શ્રી બિંદુબેન પટેલ અને મદદનીશ વન સંરક્ષક શ્રી વિપુલભાઈ ચૌધરી સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0