ફળપાક ઉત્પાદકતા વધારવા અને ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય મેળવવા ૨૦ થી ૨૬ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
મહેસાણા : ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬
મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે અમલી વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટેની એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ને મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે આગામી તા. ૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬ સુધી એમ કુલ સાત દિવસ માટે પુનઃ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન બાગાયત ખાતા હસ્તકની HRT-૨ અને ૪ યોજનાઓ હેઠળના વિવિધ ઘટકો જેવા કે આંબા તથા જામફળની ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અને ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે.
બાગાયત વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આંબા તથા જામફળ ફળપાકની ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ માત્ર સામાન્ય જાતિના ખેડૂતો માટે ઉપલબ્ધ છે. જ્યારે ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય મેળવવા માટે સામાન્ય જાતિ અને અનુસૂચિત જાતિ એમ તમામ વર્ગના ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાને પાત્ર રહેશે. ખેડૂતોએ નિર્ધારિત સાત દિવસની સમયમર્યાદામાં પોતાની અરજી ઓનલાઈન પોર્ટલ પર પૂર્ણ કરવાની રહેશે જેથી તેઓ વર્ષ ૨૦૨૬-૨૭ ના આર્થિક વર્ષ માટે સરકારની પ્રોત્સાહક યોજનાઓનો લાભ મેળવી શકે.
અરજી કરવા ઈચ્છતા તમામ ખેડૂત મિત્રોએ સૌ પ્રથમ આઈ-ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જઈને નોંધણી કરાવવી પડશે. આ પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત એ છે કે નોંધણી કરાવનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન ફરજિયાતપણે કરવાનું રહેશે, જેની દરેક ખેડૂતોએ ખાસ નોંધ લેવી જરૂરી છે. આધાર ઓથેન્ટિકેશન વગરની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેથી ડિજિટલ નોંધણી સમયે સાવચેતી રાખવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.
ખેડૂતોએ ઓનલાઈન પોર્ટલ પર અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી સબમિટ થયા બાદ તેની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. ઓનલાઈન પોર્ટલ પર અરજીની મંજૂરી મળ્યા બાદ ખેડૂતોએ ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ક્લેઈમ સબમિટ કરવાનો રહેશે. ત્યારબાદ તમામ સાધનિક કાગળો પર સહી કરી, માંગ્યા મુજબના પુરાવાઓ બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર-એસ-૨, બ્લોક નંબર-૧, બહુમાળી ભવન, મહેસાણા ખાતે રૂબરૂ જમા કરાવવાના રહેશે. તેમ મહેસાણા નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.


