મહેસાણામાં ફૂડ વિભાગની કાર્યવાહી : ૧૬ હોટલ-રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકનો જથ્થો ઝડપાયો

August 19, 2026

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક કાર્યવાહી; ૩૦ સ્થળોએ તપાસ બાદ ૧૬ એકમોને નોટિસ ફટકારાઈ

ગરવી તાકાત મહેસાણા ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬

મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મહેસાણા જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસર વી.જે. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી. આ કામગીરી માટે ખાસ ૩ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી, જેણે મહેસાણા શહેર સહિત કડી, સતલાસણા, ખેરાલુ અને વિસનગર તાલુકાઓમાં આવેલી કુલ ૩૦ જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસમાં રાત્રિના સમયે આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

આ સઘન તપાસ દરમિયાન પીરસવામાં આવતી વાનગીઓની ગુણવત્તા, હાઈજેનિક કન્ડિશન અને જાળવણી જેવા મહત્વના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તપાસવામાં આવેલી ૩૦ પેઢીઓ પૈકી ૧૬ જેટલી પેઢીઓમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. આ એકમોમાં અખાદ્ય, બિનઆરોગ્યપ્રદ અને વાસી ખોરાકનો જથ્થો મળી આવતા તંત્ર દ્વારા આશરે ૧૬ જેટલા એકમોને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી છે. આ ટીમોએ સ્થળ પર જ બિનઆરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરીને લોકોના સ્વાસ્થ્યને થતું નુકસાન અટકાવ્યું હતું.

વિગતવાર તપાસમાં ફતેપુરા બાયપાસ પર આવેલી હોટલ હાઈવે, જય દ્વારકાધીશ હોટલ અને માલગુડી ફૂડ ઇન ખાતે અત્યંત ખરાબ સ્થિતિ જોવા મળી હતી. આ એકમોમાં બળેલું તેલ, વાસી ચટણી, સિંથેટિક ફૂડ કલર અને વાસી શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય પેઢીઓને તેમની હાઈજેનિક કન્ડિશન અત્યંત બિનઆરોગ્યપ્રદ જણાતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણાના બ્લિસ વોટર પાર્ક પાસે આવેલા જલારામ ગાંઠિયા, ઇસ્કોન ગાંઠિયા, મહાદેવ એન્ટરપ્રાઇઝ અને મુરલી ફૂડ એન્ડ કેફે જેવા એકમોમાં પણ બાફેલા બટાકા અને અખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી કડી અને વિસનગર સુધી પણ લંબાવવામાં આવી હતી. કડીમાં આવેલી રાજપૂરોહિત દાલબાટી, હોટલ કલાપી, માં કાઠિયાવાડી રેસ્ટોરન્ટ અને હોટલ ટ્રાન્ક્વિલ ખાતે તપાસ કરતા ખરાબ ડુંગળી, વાસી સમોસા અને અન્ય બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. તેવી જ રીતે વિસનગરની ગુરુ રેસ્ટોરન્ટ એન્ડ દાલબાટીમાં ડેરી એનાલોગનો શંકાસ્પદ જથ્થો મળી આવતા કાર્યવાહી કરાઈ હતી. અન્ય એકમો જેવા કે સાઈબાગ ગાંઠિયા રથ, બ્રહ્માણી ફાસ્ટફૂડ, ન્યુ દ્વારકાધીશ અને કનૈયા રેસ્ટોરન્ટમાં પણ લોટ અને વાસી ખાદ્ય પદાર્થો મળી આવતા નોટિસ આપી સુધારા કરવા જણાવાયું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ તમામ અખાદ્ય જથ્થો લોકોના વપરાશમાં જાય તે પહેલા જ નાશ કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ ૧૬ એકમોને કાયદા મુજબ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો આ પેઢીઓ દ્વારા નોટિસમાં જણાવેલ સૂચનાઓ મુજબ સુધારો કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં તેમના ફૂડ લાયસન્સ સ્થગિત કરવા સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0