ગરવી તાકાત અંબાજી : વિશ્વ પ્રસિદ્ધ અંબાજી યાત્રાધામની મુલાકાત લેતા કરોડો ભક્તોની સુવિધા વધારવા માટે, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક સત્તાવાર મોબાઇલ એપ લોન્ચ કરી છે. આ એપનું ઔપચારિક ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ મોબાઇલ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર મફતમાં ઉપલબ્ધ છે, જેનાથી ભક્તો ગમે ત્યાંથી વિવિધ મંદિર સેવાઓનો ઉપયોગ કરી શકે છે. આ એપ દ્વારા, યાત્રાળુઓ દર્શનનો સમય ચકાસી શકે છે, સામાન્ય દાન આપી શકે છે, સુવર્ણ શિખરમાં યોગદાન આપી શકે છે, ભોજનાલય માટે દાન કરી શકે છે,

ઓનલાઈન પ્રસાદ બુક કરી શકે છે અને મંદિર ઈ-સ્ટોરનો ઉપયોગ કરી શકે છે. આ એપ ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે નોંધણી અને સેવા શિબિરો સંબંધિત ડિજિટલ માહિતી પણ પ્રદાન કરે છે. ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિર ટ્રસ્ટ દર વર્ષે લગભગ 1.2 કરોડ મોહનથલ પ્રસાદ પેકેટનું વિતરણ કરે છે અને વાર્ષિક કરોડો રૂપિયાના દાન મેળવે છે.


