ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં રેશનકાર્ડ ધારકોના બાકી રહેલા e-KYC ઝડપથી પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સૂચના અનુસાર, NFSA હેઠળના લાભાર્થીઓને અનાજનો લાભ સતત મળતો રહે તે સુનિશ્ચિત કરવા e-KYC ફરજિયાત છે. જિલ્લા પુરવઠા અધિકારી, બનાસકાંઠાના નિર્ણય મુજબ, સૌથી વધુ e-KYC બાકી હોય તેવા તાલુકાઓમાં આ વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પાત્રતા ધરાવતા કોઈ પણ લાભાર્થી અનાજના લાભથી વંચિત ન રહે. આગામી 23 થી 25 ફેબ્રુઆરી, 2026 દરમિયાન બનાસકાંઠાના હડાદ, ઓગડ, અમીરગઢ અને ધાનેરા તાલુકાના 20થી વધુ ગામોમાં આ કેમ્પ યોજાશે.
કેમ્પનો સમય સવારે 10:30 થી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે. આ કામગીરી માટે ગ્રામ્ય કક્ષાએ રેવન્યુ તલાટી, સરપંચ, તલાટી કમ મંત્રી, VCE (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) અને વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોને ફરજિયાત હાજર રહીને e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત, હડાદ તાલુકામાં 23 ફેબ્રુઆરી, 2026ના રોજ મચકોડા, હડાદ, ઉણોદરા, ઇસરવા અને નાના જામપુર ખાતે કેમ્પ યોજાશે. 24 ફેબ્રુઆરીના રોજ તોરણીયા, છોટા બામોદરા અને ખંઢોર ઉંબરી ગામમાં e-KYCની કામગીરી થશે. ઓગડ તાલુકામાં 23 ફેબ્રુઆરીએ ઇસરવા અને નાના જામપુરમાં, 24 ફેબ્રુઆરીએ રાણકપુર અને વરસડામાં, તથા 25 ફેબ્રુઆરીએ ભલગામમાં કેમ્પનું આયોજન છે. અમીરગઢ તાલુકામાં 24 ફેબ્રુઆરી, 2026ના રોજ અમીરગઢ ગામમાં,
![]()
જ્યારે 25 ફેબ્રુઆરીએ રામપુરા વડલા, વિરમપુર અને ધનપુરા (વિ) ગામમાં કેમ્પ યોજાશે. ધાનેરા તાલુકામાં 24 ફેબ્રુઆરીએ રૂણી અને ખીંમત ખાતે, તથા 25 ફેબ્રુઆરીએ જડીયા-2, ભાટરામ અને રામપુરા મોટા ગામોમાં e-KYCની કામગીરી હાથ ધરવામાં આવશે. લાભાર્થીઓએ પોતાના જરૂરી આધાર-પુરાવા સાથે કેમ્પના સ્થળે ઉપસ્થિત રહી પોતાનું e-KYC કરાવી લેવા વિનંતી છે. જો કોઈ લાભાર્થીનું અવસાન થયું હોય અથવા સ્થળાંતર થયું હોય, તો તેવા કિસ્સાઓમાં પંચ રોજકામ કરી જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. બનાસકાંઠાના નાગરિકોને આ વિશેષ કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


