ગણપત વિદ્યાનગર- ગણપત યુનિવર્સિટી દ્વારા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા તાજેતરમાં પાંચ દિવસીય ગુની-પ્રિન્યોર બૂટકેમ્પ- 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યુનિવર્સિટીના સેન્ટર ફોર એન્ટરપ્રેન્યુરશિપ અને સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (CMSR) દ્વારા આયોજિત થયો હતો. જેમાં સ્ટૂડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP), ગણપત યુનિવર્સિટી ઈનક્યુબેશન સેન્ટર અને ગ્લોબલ શેપર્સ કોમ્યુનિટી, અમદાવાદ ચેપ્ટરના સહયોગથી વિવિધ પ્રવૃત્તિઓ અમલમાં મૂકાઇ હતી.
આ અનોખા પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાની ભાવના જગાડવી તથા નવીન વિચારોને વ્યવસાયમાં રૂપાંતરિત કરવાની સાચી દિશામાં માર્ગદર્શન આપવાનો હતો. બૂટકેમ્પ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવહારુ શિક્ષણ, અનુભવસરના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો જીવંત અનુભવ આપવામાં આવ્યો. બૂટકેમ્પમાં 75 કરતાં વધુ ઉદ્યોગ-રસિકોએ ભાગ લીધો, જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે.
એસ.એસ.આઇ.પી. તથા ઈન્સ્ટીટ્યુશન ની ઇનોવેશન કાઉન્સિલ ની ભાગીદારી હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 
બૂટકેમ્પના પ્રથમ દિવસે આયોજિત ઉદ્ઘાટન સમારંભમાં ગણપત યુનિ.ના એસો. એક્ઝિ. ડીન તથા સેન્ટર ફોર મેનેજમેન્ટ અને રિસર્ચના ચેરપર્સન ડૉ. પ્રિયંકા પાઠક એ સ્વાગત પ્રવચન આપ્યું હતું. યુનિ.ના ગ્રુપ પ્રો-ચાન્સેલર ડૉ. મહેન્દ્ર શર્મા એ ઉપસ્થિત વિદ્યાર્થીઓને, ખાસ કરીને યુવતીઓને ઉદ્યોગસાહસિકતાની દિશામાં દ્રઢ નિશ્ચય સાથે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે યુનિવર્સિટી દ્વારા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ પ્રત્યે દાખવવામાં આવતી પ્રતિબધ્ધતાને પણ રેખાંકિત કરી હતી.
કાર્યક્રમના કો-ઓર્ડિનેટર તરીકે ડૉ. રેમી મિત્રા (ચીફ રિલેશન્સ ઓફિસર) તથા ડૉ. સુરજ શાહ (ચેરપર્સન, સાસ, ગુની ગ્લોબલ સેન્ટર ફોર એનાલિટીક્સ)ની વિશેષ ભૂમિકા રહી હતી.
પાંચ દિવસના બૂટકેમ્પ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત તાલીમ આપવામાં આવી, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતોઃ
* ઉદ્યોગસાહસિકતા સામે વ્યવસાય અને નાવીન્ય.
* ડિઝાઇન થિંકિંગ, વિચાર વિકાસ અને ગ્રાહક માન્યતા
* બિઝનેસ મોડેલ કેનવાસ અને આવકની વ્યૂહરચનાઓ
* માર્કેટમાં પ્રવેશ માટેની પધ્ધતીઓ અને પિચ તૈયાર કરવાની રીત
* બ્રાન્ડિંગ, સ્ટોરીટેલિંગ અને વ્યવસાયિક શિષ્ટાચાર
આ તમામ સત્રો પ્રસિધ્ધ ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા લેવાયા હતા, જેમ કે શ્રી અવિ અગ્રવાલ, શ્રી મલય શુક્લ, શ્રી આનંદ મશરૂવાલા, શ્રી યશ પટેલ, શ્રી બિપિન અગ્રાવત, શ્રી જય મેરજ, ડૉ. સુરજ શાહ અને શ્રી ઉર્વલ શાહ.
બૂટકેમ્પના એક દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને ઇનક્યુબેશન સેન્ટર ખાતે સ્ટાર્ટઅપ સહાય સેવાઓ અને ઈકોસિસ્ટમ વિશે જીવંત અનુભવ આપવામાં આવ્યો હતો. અંતિમ દિવસે યોજાયેલા ગ્રાન્ડ ફિનાલે અંતર્ગત પિચ ડેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના સ્ટાર્ટઅપ વિચારો નિષ્ણાતોની સમક્ષ રજૂ કર્યા હતા.
શ્રેષ્ઠ પાંચ વિચારોને નવીનતા, વ્યવહારુતા અને અસરની સંભાવના ના આધારે પસંદ કરી ઇનક્યુબેશન સહાય માટે આગળની પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યા હતા, વધુમાં તેમને ઇનામો અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બૂટકેમ્પ દ્વારા વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ વ્યૂહરચના, બિઝનેસ મોડલિંગ, ઇન્વેસ્ટર પિચિંગ અને નવીનતા આધારિત વિકાસ જેવા મહત્વપૂર્ણ કૌશલ્ય સંબંધી બનાવ્યાં. તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા અને ગણપત યુનિવર્સિટીના ઇનક્યુબેશન ઈકોસિસ્ટમ દ્વારા સતત માર્ગદર્શન અને સહયોગ સાથે તેમની ઉદ્યોગસાહસિક યાત્રા આગળ વધારવા માટે ઉત્સાહિત કરવામાં આવ્યા.


