મહેસાણા નાગલપુરમાં ગટરો ઉભરાવવાની છેલ્લા બારમાસથી સમસ્યા હોવા છતાં ઉકેલ આવતો નથી
મહેસાણા નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને અનેકવાર રજૂઆતો કરવા છતાં સ્થિતિ ઠેરની ઠેર
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – મહેસાણામાં ગટરો ઉભરાવવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે મહેસાણાના નાગલપુર વિસ્તારમાં છેલ્લા બાર માસથી ગટરો ઉભરાવવાની સમસ્યા સર્જાઇ રહી છે. નાલપુર વિસ્તાર અને મોઢેરા રોડને જોડતો જે રોડ છે તે માર્ગ પર સતત ગટર ઉભરાતી રહે છે. આ સમસ્યા છેલ્લા બારેક માસથી હોવા છતાં આ સમસ્યાનો કોઇ નિકાલ કરવામાં આવ્યો નથી. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે મહેસાણા નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને અનેક રજૂઆતો કરવા છતાં આજદીન સુધી ગટરો ઉભરાતી બંધ કરવામાં આવી નથી.

આ ઉપરાંત ગટરના ગંદા પાણી જ્યાં ઉભરાઇ રહ્યા છે તેની નેચી નર્મદાનો વાલ્વ આવેલ છે જેમાં પણ ગટરના ગંદા પાણી મિક્સ થઇ શકવાની શક્યતાં પણ રહેલી છે. જ્યાં ગટરો ઉભરાઇ રહી છે ત્યાં આજુબાજુ ઘરો આવેલા છે તેમજ ધંધા રોજગાર માટે આવતા જતાં સ્થાનિક રહીશોને આ ગંદા પાણીમાં થઇને પસાર થવું પડે છે. સાથો સાથ આ ગંદા પાણીની વાસથી રાત્રિના સમયે ખુબ જ દુર્ગધ ફેલાય છે તેની પાસે 100 મીટરના અંતરે આંગણવાડી આવેલ છે જેમાં 200થી વધારે બાળકો અભ્યાસ માટે જાય છે.
વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆતો કરવા છતાં પણ આજ દીન સુધી કોઇ પગલા લેવામાં આવ્યાં નથી. હવે તાજેતરમાં આવેલા ચાંદીપુરા વાયરસ તથા કોલેરા જેવી બિમારી ફાટી નીકળશે તો તેના માટે જવાબદાર કોણ? નાગલપુર વિસ્તારમાં સામાન્ય મજુરી કરવાવાળા લોકો રહે છે આજ રસ્તા પર 300 મીટરના અંતરે ફલેટ છે. તેનું ગેરકાયદેસર જોડાણ કરી નાગલપુર વિસ્તારમાં ફલેટોનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. તો છેલ્લા બાર માસથી હાલાકી ભોગવતાં નગરપાલિકાના રહીશોની આ સમસ્યા તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં નહી આવે તો નાગલપુરના રહીશોને હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે.


