વડનગર જૈન સંઘ સંચાલિત કરોડોના ખર્ચે બનેલી અદ્યતન પાંજરાપોળ બીમાર અને અશક્ત પશુઓ માટે આશીર્વાદરૂપ બનશે
બુધવારે ગુરુ ભગવંતોની હાજરીમાં નવિન બનાવેલ પાંજરાપોળનું ઉદ્દઘાટન કરાશે
વડનગર- વિસનગર હાઇવે પર વડબાર પાટિયા પાસે 500 પશુઓ રહી શકે તેવી સાડા છ વીઘા જમીનમાં અદ્યતન પાંજરાપોળ
ગરવી તાકાત, વડનગર તા. 19 – વડનગર- વિસનગર હાઇવે પર વડબાર પાટિયા પાસે 500 પશુઓ રહી શકે તેવી સાડા છ વીઘા જમીનમાં અદ્યતન પાંજરાપોળ (નૂતન જીવદયા કરૂણા મંદિર) બનાવાઈ છે. જ્યાં બીમાર અને અશક્ત પશુઓની નિ:શુલ્ક નિભાવણી કરાશે. દાઝી ગયેલા પશુઓ માટે ખાસ કૂલરરૂમ તેમજ વાવાઝોડા જેવી આપત્તિમાં પશુઓ મોતને ન ભેટે તે માટે પાકા આરસીસી શેડ તૈયાર કરાયા છે. કાયમી વેટેરનરી તબીબ પણ હાજર રહેશે. બુધવારે ગુરુ ભગવંતોની હાજરી વચ્ચે દાતાઓના સન્માન સાથે ઉદઘાટન કરવામાં આવશે.

વડનગર જૈન સંઘ સંચાલિત કરોડોના ખર્ચે બનેલી અદ્યતન પાંજરાપોળ બીમાર અને અશક્ત પશુઓ માટે આશીર્વાદરૂપ બનશે. 500 પશુની ક્ષમતાની અા પાંજરાપોળનું બુધવારે ઉદઘાટન કરાશે. પશુઓને ઘાસચારાની તંગી ન પડે તે માટે અહીં મોટું ગોડાઉન બનાવાયું છે. પશુઓને પીવાના પાણી માટે બોર અને મોટા ટાંકા પણ બનાવાયાં છે. અહીં પશુપાલકો કે અન્ય લોકો પાસેથી નજીવી ફી લઈ તેમના પશુ સ્વીકારવામાં આવશે. બુધવારે ગુરુ ભગવંતોની હાજરીમાં પાંજરાપોળનું ઉદઘાટન કરાશે
- પાંજરાપોળમાં પશુઓમાં માટે ઉભી કરાયેલી સવલતો
- પીવાના પાણી માટે ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ ટાંકીની સગવડ
- કુદરતી હોનારતમાં પશુ અકાળે મૃત્યુ ના પામે અથવા તો ઘાયલ ન થાય તે માટે આરસીસી પાકા શેડ
- દાઝેલા અથવા તો ઘાયલ પશુઓ માટે કૂલર સાથે અલગ વ્યવસ્થા
- પશુ ચિકિત્સકની કાયમી સગવડ


