વડનગર ની પૂણ્ય ધરા ઉપરથી તાનારીરી એવોર્ડથી સન્માનિત ત્રણેય સંગીત નારી રત્નોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના સંગીતજ્ઞ શ્રી મોનિકા શાહ, કોલકત્તાના કંકણા બેનરજી અને પુણેના આરતી અંકલીકરને તાનારીરી એવોર્ડથી સન્માનિત કરાયા
વડનગરના સર્વાંગી વિકાસ માટે નગરને ચાર ઝોનમા વિભાજીત કરી વડનગરનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે
ગરવી તાકાત, વડનગર તા. 22 – તાના અને રીરીએ આ વડનગરની ભૂમિમાં સંગીતની આકરી આરાધનાથી રાગ-રાગીણીઓની વિરાસત દુનિયાને આપી હતી, તેવું આજરોજ વડનગર ખાતેથી તાના રીરી મહોત્સવનો આરંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. રાજ્યભરમાંથી તાના-રીરી મહોત્સવમાં પધારેલા સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને નૂતન વર્ષની શુભકાનાઓ પાઠવી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતના પનોતાપુત્ર અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વતન વડનગરની આ ઐતિહાસિક ભૂમિમાં તાના-રીરી મહોત્સવ પ્રસંગે આવવાનું મને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

તાનારીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઇને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી, તેવું કહી રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ જ વડનગરના પનોતા પુત્ર અને વિશ્વનેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ માટેની આગવી સમર્પિતતાથી અને જનસેવાના સામર્થ્યથી દુનિયાભરમાં ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્તુત કર્યું છે. આજે વર્ષ-૨૦૨૨નો એવોર્ડ સુશ્રી કંકણા બેનરજી અને ડૉ. મોનિકા શાહને તથા વર્ષ ૨૦૨૩ માટે સુશ્રી આરતી અંકલિકરને તાના-રીરી સન્માન એવોર્ડ અર્પણ થયા છે.

વડનગર રેલ-વે સ્ટેશનને રિ-ડેવલપ કરવામાં આવ્યું છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશનું પહેલું આર્કીયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ અહીં બની રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ટુરીઝમ વિભાગે ૯૨ કરોડ રૂપિયાના ખર્ચે વડનગર હેરિટેજ સર્કિટનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે.આ ઉપરાંત હોલિસ્ટિક અને સ્ટ્રેટેજીક ડેવલપમેન્ટ માટે ચાર ઝોનમાં નગરના કામોનું વિભાજન કરીને વડનગર માસ્ટર પ્લાન આપણે બનાવ્યો છે.

આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા, મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, ઊંઝાના ધારાસભ્ય શ્રી કે.કે.પટેલ, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રીશ્રી રજનીભાઈ પટેલ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, મહેસાણા જિલ્લા કલેકટર શ્રી એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા શ્રી એચ.એલ. ત્યાગી, જાણીતા કલાકાર શ્રી અનુપમા ભાગવત અને વિદુષી વર્મા સહિત આમંત્રિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


