15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડું ટકરાશે
130 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 13- 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડું ટકરાશે. આ સમયે 130 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે. જેની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર પગલે આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ અલર્ટ પર મૂકાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આર્મીની ટીમો મોકલવામાં આવશે. ત્યારે બિપરજોયને કારણે રાજ્યમાં બસ અને ટ્રેનો પ્રભાવિત થઈ છે. બિપરજોય વાવાઝોડાના કારણે રેલ અને માર્ગ વાહન વ્યવહાર પર મોટી અસર પડી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી 100 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ છે. તોરાજકોટથી દીવ, સોમનાથ, નારાયણ સરોવર જતી એસટી બસ રદ કરાઈ છે.

વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનો પ્રભાવિત થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જતી કેટલીક ટ્રેનો રદ્દ તો કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પોરબંદર, વેરાવળ, ઓખા જતી મોટાભાગની ટ્રેનો રદ કરાઈ છે. તો બીજી તરફ, ચક્રવાત બિપોરજોયને લઈ એસટી વિભાગ દ્વારા સતર્કતા રાખવા સૂચના અપાઈ છે. એસટી માટે ડીઝલનો પૂરતો જથ્થો રાખવા સૂચના અપાઈ છે. દરિયા કિનારાના રૂટ પર જીપીએસથી નજર રાખવા સૂચના અપાઈ છે. તેમજ બસ ડ્રાઈવરોને રાત્રિ બસો પાર્ક કરાવવા, ક્રેન અને ટ્રક તૈયાર રાખવા સૂચના આપી છે. આ ઉપરાંત ગાંધીનગરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હોર્ડિંગ ઉતારવા, ડિઝલ ટેંક સાચવવા સહીતના સૂચનો અપાઈ છે.
આ રુટની ટ્રેનો રદ કરાઇ
13 થી 16 જૂન સુધી ઓખા – રાજકોટ ટ્રેન રદ્દ
12 થી 15 જૂન સુધી રાજકોટ – ઓખા ટ્રેન રદ્દ
12 થી 15 જૂન સુધી વેરાવળ – ઓખા અને ઓખા – વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
જયપુર – ઓખા ટ્રેન રાજકોટ સુધી ટુંકાવવામાં આવી
ઓખા – બનારસ ટ્રેન 15 તારીખે ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
12,13 અને 14 તારીખ મુંબઈ સેન્ટ્રલ – ઓખા રાજકોટ સુધી ટુંકાવવામાં આવી
13,14 અને 15 તારીખ ઓખા – મુંબઈ સેન્ટ્રલ ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
15 તારીખે ઓખા – જગન્નાથ પુરી ટ્રેન ઓખાની જગ્યાએ અમદાવાદથી ઉપડશે
12,13 અને 14 જૂન અમદાવાદ વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
13,14 અને 15 જૂન વેરાવળ – અમદાવાદ ટ્રેન રદ કરવામાં આવી
13,14,15 અને 16 તારીખે વેરાવળ – જબલપુર – વેરાવળ ટ્રેન રાજકોટથી ઉપડશે અને રાજકોટ સુધી જ દોડશે
13 થી 15 જૂન વેરાવળ – પોરબંદર – વેરાવળ ટ્રેન રદ કરાઇ
આ રુટની બસો રદ કરાઈ
- અરવલ્લી જિલ્લામાંથી કચ્છ અને સૌરાષ્ટ જતી બસ રદ કરાઈ છે. મોડાસા ડેપો માંથી મોડાસા- સોમનાથ બસ રદ કરાઈ છે. બાયડ ડેપોમાંથી બાયડ- દ્વારકા અને બાયડ-ભુજ રુટની બસ રદ કરાઈ છે. બિપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે અરવલ્લી જિલ્લાની ત્રણ બસો રદ્દ કરવામાં આવી છે. આગામી 13,14 અને 15 જૂન સુધીની ટ્રીપ રદ્દ કરાઈ
- પોરબંદર એસટી ડેપોના તમામ 59 રુટો બંધ કરાયા છે. આ રુટની આગામી 15 તારીખ તમામ બસો બંધ રહેશે. પોરબંદર રુટ પર દોડતી 64 બસોને પાર્ક કરી દેવામાં આવી છે. પોરબંદર ડેપોની તમામ 244 ટ્રીપ રદ્ કરવામાં આવી
- રાજકોટ એસટી વિભાગ દ્વારા અમુક રૂટની બસ રદ કરાઈ છે. આજથી ત્રણ દિવસ માટે રાજકોટથી દીવ, સોમનાથ અને નારાયણ સરોવરની બસ નહિ ઉપડે. આ ઉપરાંત વીજ પોલ કે ઝાડ નીચે એસટી બસ ઊભી ન રાખવા ડ્રાઇવર કંડકટરોને સુચના અપાઈ.


