ગરવી તાકાત મહેસાણા : સતલાસણાના હડોલ ગામની દૂધ મંડળીમાં બુધવાર સાંજે મંડળીના મંત્રી અને પશુપાલક વચ્ચે સાગરદાણની ખરીદી મામલે બોલાચાલી બાદ મારામારી થઇ હતી. આ મામલે બંને પક્ષે સતલાસણા પોલીસ મથકે કુલ 3 શખ્સો વિરુદ્ધ સામ-સામે ફરિયાદ નોંધાઇ હતી. સતલાસણા પોલીસ મથકે નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ, હડોલ ગામના માધુસિંહ કાળુસિંહ પરમાર બુધવાર સાંજે સવા 6 વાગ્યાની આસપાસ ડેરીમાં મંત્રી તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે ગામના જીગરસિંહ પ્રભાતસિંહ પરમાર ડેરીમાં આવી સાગરદાણની બોરી માંગી હતી.
મંત્રીએ દૂધ ભરાવવાનું કામ પુરૂ થયા બાદ બોરી આપવાનું કહ્યું હતું. તેમજ અગાઉની એક બોરીના રૂપિયા ચુકવવાનું બાકી હોવાનું જીગરસિંહને કહ્યું હતું. ઉશ્કેરાયેલા જીગરસિંહ અપશબ્દો બોલી બોરી ઉપાડી ઘરે ચાલી ગયા હતા. થોડી વારમાં જીગરસિંહ અને તેના ભાઇ અશ્વિનસિંહ મંત્રી પાસે આવી અપશબ્દો બોલી માર માર્યો હતો.
બીજી ફરિયાદ મુજબ હડોલના અશ્વિનસિંહ પરમાર તેમના ભાઇ જીગરસિંહ સાથે બુધવાર સાંજે સવા 6 વાગ્યાની આસપાસ ડેરીમાં દૂધ ભરાવવા ગયા હતા. તે સમયે મંત્રી માધુસિંહ પરમારને સાગરદાણના અગાઉના રૂપિયા પગારમાંથી કપાઇ ગયા હોવાનું જણાવ્યું હતું. તેમજ જો કોઇ રૂપિયા આપવાના નીકળતાં હોય તો હિસાબ માંગ્યો હતો. જેને લઇ મંત્રી બંને ભાઇઓને મારવા લાગ્યા હતા.
— આ 3 વિરુદ્ધ ફરિયાદ :
— જીગરસિંહ પ્રભાતસિંહ પરમાર :
— અશ્વિનસિંહ પ્રભાતસિંહ પરમાર :
— માધુસિંહ કાળુસિંહ પરમાર ,(તમામ રહે.હડોલ, તા.સતલાસણા)
તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા


