— ભૂમાફિયોમાં સામે જિલ્લા વિકાસ અધિકારીની કાર્યવાહીને પગલે ફફડાટ
— મંદિર પરિસરની પવિત્ર જગ્યાનું બારોબારિયુ કાઢતા ધર્મપ્રેમી જનતામાં આક્રોશ
ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના સલેમપુરા તેમજ સુંઢા ગામ ના સરપંચે વર્ષ 2016માં ફરજ બજાવતાં સરપંચોએ 91 જેટલા પ્લોટ ખોટી રીતે આપ્યા હોવાનું જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાને આવતા આ તમામ પ્લોટ રદ કરવાની તજવીજ હાથ ધરતા ગેરકાયદે પ્લોટ મેળવનાર તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ પાલનપુર તાલુકાના સલેમપુરા ગામના સરપંચે પાંચ-છ વર્ષ અગાઉ ગામ તળની હરાજી દર્શાવી ખોટી રીતે પ્લોટ ની વહેંચણી કરી હતી જે તમામ બાબતો જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાને આવતા જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી અને સરકારી કર્મચારીઓ સામે ખાતાકીય પગલાં લેવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ સરકારમાં અહેવાલ સુપ્રત કરતાં સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગામના સરપંચ અને સરકારી બાબુ સાથે મળીને કાગળ પર હરાજી કરી તેમજ સરકારના નીતિ નિયમોને નેવે મૂકી પ્લોટની ફાળવણી માં વાલા દવાલાની નીતિ અપનાવવાની ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે પાંચ વર્ષ પહેલા પાલનપુર તાલુકાના સલેમપુરા તેમજ સુંઢા ગામમાં 91 જેટલા પ્લોટ ફાળવણીમાં જે તે સમયના ગામના સરપંચ તલાટી તાલુકા વિકાસ અધિકારી ક્લાર્ક સર્કલ સાથે મળીને ગામની પ્લોટ ની વહેંચણી કરી હરાજી કાગળ પર દર્શાવી પ્લોટની હરાજીમાં ગેરરીતિ કરી હોવાનો પર્દાફાશ થયો છે વર્ષ 2016માં પાલનપુર તાલુકાના સલેમપુરા ગામમાં 64 જેટલા પ્લોટ આપવામાં આવ્યા હતા સરપંચ અને સરકારી બાબુઓની સાંઠગાંઠથી પ્લોટની હરાજી કર્યા વગર તેમજ નગર નિયોજકની અપસેટ કિંમત નક્કી કર્યા વગર બારોબાર પ્લોટ ફાળવણી કરી દેવામાં આવી હતી.
જોકે આ પ્લોટમાં થયેલ ગેરરીતી નો મામલો જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાનમાં આવતા સલેમપુરા ગામમાં ખોટી રીતે પ્લોટ લેનાર 64 લાભાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને લેખિત જવાબ માંગવામાં આવ્યો હતો જેમાં ૨૧ લોકો હાજર રહી જવાબ આપ્યો હતો. જોકે ગામના પ્લોટ ની માત્ર કાગળ પર જ થયેલી જાહેર હરાજીમાં એક જ પરિવારને સૌથી વધુ ફાળવણી થયું હોવાનું સામે આવ્યું હતું.
તેવી જ રીતે પાલનપુર તાલુકાના સુંઢા ગામ ની ગૌચર ની જગ્યામાં તેમજ મંદિરની જગ્યામાં જે તે સમયના સરપંચ તલાટી તાલુકા વિકાસ અધિકારી સર્કલ તેમજ ક્લાર્કની મીલીભગત થી લાગતા- વળગતા લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાનમાં આવ્યું છે અને જે તે સમયના સરપંચના નજીકના સગા સંબંધીઓને સૌથી વધુ પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
— એક જ વ્યક્તિના નામે ૩-૩ પ્લોટની ફાળવણી થઇ હતી:
સરકારના નિયમ પ્રમાણે જાહેર હરાજીમાં એક જ વ્યક્તિને એક જ પ્લોટ ફાળવવામાં આવે છે પરંતુ આ બનાવમાં એક જ વ્યક્તિને એકથી વધુ પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે હવે જોવાનું રહ્યું કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શું આ ખોટી રીતે પ્લોટની ફાળવણી કરનાર ઈસમ સામે કેવા પ્રકારના પગલાં ભરવામાં છે. ગેરકાયદેસર વેચાયેલા પ્લોટ ઉપર ખડકી દેવામાં આવેલા બાંધકામો ઉપર સરકારનું જેસીબી ફરશે કે કેમ તેવા સ્થાનિક નાગરિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
તસ્વીર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર


