જિલ્લા વિકાસ અધિકારીની ઓચિંતી મુલાકાતમાં 4 તલાટી ગેરહાજર જણાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

— બેચરાજી, વિસનગર અને વડનગર તાલુકામાં :

— ફરજમાં નિષ્કાળજી બદલ તલાટી અને 3 વિસ્તરણ અધિકારીને કારણદર્શક નોટીસ આપી :

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીની બેચરાજી, વિસનગર અને વડનગર તાલુકામાં ઓચિંતી મુલાકાત દરમિયાન ૪ તલાટી ફરજ ઉપર ગેરહાજર જણાયા હતા. તેથી ગેરહાજર રહેનાર તલાટીઓ અને સુપરવિઝન કરતાં ત્રણેય તાલુકાના વિસ્તરણ અધિકારીને કારણદર્શક નોટીસ પાઠવીને કાર્યવાહી કરાતા તલાટીઓમાં ફફડાટ ફેલાયો છે.

મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા પરિપત્ર કરીને ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓની હાજરીના દિવસો, તલાટી કમ મંત્રીનો મોબાઇલ નંબર સહિત ફેરણી કાર્યક્રમ દર્શાવતું બોર્ડ મૂકવા તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે મુવમેન્ટ રજિસ્ટર નિભાવવા વખતો વખત સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશે ૧ એપ્રિલે બેચરાજી, ૮ એપ્રિલે વિસનગર અને વડનગર તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન ૪ તલાટી કમ મંત્રીઓ ફરજ ઉપર હાજર નહોતા.  આ ઉપરાંત પરિપત્ર મુજબ ગ્રામ પંચાયતમાં બોર્ડ અને મુવમેન્ટ રજિસ્ટર નહી નિભાવીને નિષ્કાળજી દાખવતાં જિલ્લા વિકાસ અધિકારીએ ૪ તલાટી અને તાલુકા પંચાયતોમાં તલાટીઓનુ સુપરવિઝન કરનાર ૩ વિસ્તરણ અધિકારીઓને કારણદર્શક નોટીસ પાઠવી હતી. ફરજ પરથી અનઅધિકૃત ગેરહાજર તથા ફરજમાં નિષ્કાળજી દાખવનાર ૪ તલાટી કમ મંત્રીઓને કારણદર્શક નોટીસ પાઠવી કાર્યવાહી હાથ ધરાઈ છે.

— બેદરકાર તલાટી અને વિસ્તરણ અધિકારીના નામ :

(1) નિલમબેન શંકરભાઈ ચૌધરી, તલાટી, રણેલા, તા.બેચરાજી (2) રામજીભાઈ ભીખાભાઈ રાવત, તલાટી, ગુંજા, તા.વિસનગર (3) દિક્ષિતકુમાર ડાહ્યાભાઈ પટેલ, તલાટી, કિયાદર, તા.વિસનગર (4) કાન્તાબેન જેસંગભાઈ ચૌધરી, તલાટી, મલેકપુર, તા.વડનગર (5) મનીષાબેન પી. સુથાર, વિસ્તરણ અધિકારી, વિસનગર તા.પં. (6) કમલેશભાઈ કે. પટેલ, વિસ્તરણ અધિકારી, વડનગર તા.પં. (7) કે.જે.ઈસરાની, વિસ્તરણ અધિકારી, બેચરાજી તા.પં.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.