ગરવી તાકાત, તા. 29- ગુજરાતમાં વધતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં રાજય સરકાર આવશ્યકતા મુજબ પોલીસ દળની સંખ્યા પણ વધારી રહી છે અને પોલીસ તથા રાજય અનામત પોલીસ દળમાં ભરતીની પ્રક્રિયા પણ સતત ચાલુ જ રહે છે. રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલે એક સોગંદનામામાં જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષમાં ભરતી સહિતના પ્રક્રિયાના કારણે પોલીસદળમાં ફકત 3.7% સ્થાનો જ ખાલી છે.
સર્વોચ્ચ અદાલતે તમામ રાજય સરકારોને તેમના પોલીસદળમાં જે મંજુર સંખ્યા છે તે ખાલી ન રહે તે માટે ભરતી પ્રક્રિયા સતત ચાલુ રાખવા આદેશ આપ્યો હતો અને તેનું મોનેટરીંગ જે તે રાજયની હાઈકોર્ટને સોંપ્યું હતું. જેના પગલે હાઈકોર્ટે સ્વયંમ રીતે આ મુદ્દો હાથ પર લઈને રાજય સરકારને તેનો જવાબ રજુ કરવા જણાવ્યુ હતું.
આ ઉપરાંત પોલીસદળમાં પણ સતામણી કે પછી અત્યાચાર મુદે તપાસ માટે એક પોલીસ કમિશ્નરની પોષ્ટ ઉભી કરવા અને આંદોલનો સમયે હિંસક સ્થિતિને કાબુમાં લેવા માટેના ઉપાયો નિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. રાજય સરકારે તેના જવાબમાં જણાવ્યું કે જાન્યુઆરી 2017ના રાજય પોલીસદળમાં 25% સ્થાનો ખાલી હતા.
રાજય પોલીસમાં 103689 પદો મંજુર થયેલા છે અને તેમાં 75109 સ્થાનો ભરેલા હતા. હાલની સ્થિતિ મુજબ 124359 સ્થાનો મંજુર છે અને 97090 પોષ્ટ ભરાયેલ છે જયારે 27269 સ્થાનો ખાલી છે. આમ હવે ફકત 3.8% જ સ્થાનો ખાલી છે.


