garvi takat:-પંચમહાલ જિલ્લાના શીવરાજપુર તલાવડી રોડ પર આવેલા જીમીરા રિસોર્ટમાં પોલીસે દરોડો પાડી ખેડા જિલ્લાના માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 25 જેટલા શખ્સોને આજે રાત્રે દારૂ અને જુગારની મહેફિલના સ્થળેથી ઝડપી પાડયા છે. રિસોર્ટમાં સાત જેટલી યુવતીઓની પણ ઉપસ્થિતિ હોવાથી પોલીસે એ યુવતીઓની પૂછપરછ શરૂ કરી છે.શીવરાજપુર નજીક આવેલા આ રિસોર્ટમાં મોટાપાયે દારૂ અને જુગારની પાર્ટીઓ ચાલે છે તેવી બાતમીના આધારે આજે રાત્રે પંચમહાલ એલસીબી તેમજ સ્થાનિક પોલીસે દરોડો પાડતા રિસોર્ટના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.પોલીસે રિસોર્ટમાં તપાસ કરતા કેટલાક લોકો જુગાર રમતા હોવાનું જણાયું હતું આ ઉપરાંત નજીકમાં દારૂની બોટલો પણ મળી હતી. પોલીસે મહેફિલના સ્થળેથી માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમજ અન્ય 24 જેટલા શખ્સોને ઝડપી પાડયા છે.સૂત્રોએ જણાવ્યું હતું કે રિસોર્ટમાં જ્યાં જુગાર રમાતો હતો ત્યાંથી દારૂની 8 જેટલી બોટલો પણ મળી છે. તેમજ ચાર નેપાળી અને ચાર યુવતીઓ મળતા તેઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.પંચમહાલ એસપીએ જણાવ્યું હતું કે મોટાપાયે રોકડ પણ હાથ લાગી છે પરંતુ હાલ તેની ગણતરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે શીવરાજપુરાના રિસોર્ટમાં ભાજપના ધારાસભ્ય દારૂ અને જુગારની મહેફિલમાં ઝડપાયા હોવાની વાત વાયુવેગે ફેલાતા રાજકીય અને સ્થાનિક કક્ષાએ ચર્ચાનો વિષય બન્યો છે.કેસરીસિંહ અગાઉ પણ અનેક વિવાદોમાં રહેલા છે. આ અગાઉ પણ કેસરીસિંહનો ઈતિહાસ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે અને ગેરકાનૂની કામોમાં એમનું નામ ચર્ચામાં રહ્યું છે. લોકોમાં થતી ચર્ચા પ્રમાણે કેસરીસિંહના પિતાજી પણ વ્યસન પદાર્થો સાથે સંકળાયેલા હોવાથી એમના વિરોધ થયો હતો.હાલોલમાં દારૂજુગારની મહેફીલ માણતા ઝડપાયેલા ખેડા જિલ્લાનાની માતર વિધાનસભાના ધારાસભ્યનો ભૂતકાળ પણ વિવાદમાં રહ્યો છે. 2015માં તેમણે જિલ્લાના ડીવાયએસપી સાથે ગુનેગારોને છોડાવવા માટે મોટો ઝઘડો કર્યો હતો. તે માટે હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાળાએ કેસરીસિંહ વિરૂદ્ધ ઓબઝર્વેશન પણ આપ્યું હતું અને આ કિસ્સામાં સમાધાન કરવું પડયું હતું.બે વરસ પહેલાં લવાલ ગામના સરપંચ સાથે પણ ગ્રાન્ટ રદ કરવા બાબતે કેસરીસિંહ ચકમકમાં ઊતર્યા હતા અને તેમની સાથે મારામારી કરી મોબાઈલ લઈ લેવાનો પ્રયાસ કર્યો હતો. તેના વિડિયો પણ વાયરલ થયા હતા. આ મામલે લવાલના સરપંચે કેસરીસિંહ વિરૂદ્ધ પોલીસમાં અરજી આપી હતી.થોડા સમય પહેલાં બુટલેગરના એક વાયરલ ઓડિયોમાં પણ તેમને કેસરીસિંહ સોલંકીના નામનો ઉલ્લેખ કરીને વિજિલન્સ સુધી જાણ કરો છતાં જુગાર રમાશે તેવી ચીમકી આપી હતી.કોરોનાકાળ દરમિયાન પણ તેઓ જિલ્લા પોલીસ વડા સાથે વિવાદમાં આવ્યા હતા. અને માસ્કના દંડ બાબતે ડીએસપીને સીધી ધમકી આપતો વિડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત વરસોથી તેમનું નામ દારૂ જુગારના ધંધા સાથે હોવાનું સ્થાનિકો ચર્ચી રહ્યા છે. જોકે તે મામલેં હજી સુધી કોઈ ફરિયાદ કે પોલીસ નોંધાઈ નથી