રાજ્ય સરકાર દ્વારા પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી અને જોબ ચાર્ટ જાહેર: : પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

August 18, 2026

આ નિર્ણયથી ગ્રામ્ય કક્ષાએ નાગરિકોની સુવિધામાં વધારો થશે અને વહીવટી પારદર્શિતા આવશે

ગરવી તાકાત 18-8-2026

ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી સરળતા, સુગમતા અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અંગે ગાંધીનગરથી વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી-કમ-મંત્રીની કામગીરી તથા જવાબદારીઓ અંગે લાંબા સમયથી ચાલી રહેલી વિચારણાના અંતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી અને જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ગ્રામીણ સ્તરે નાના મોટા ૯૦ થી ૧૦૦ જેટલા કામો અને જો વિષય પ્રમાણે અલગ કરીએ તો કુલ ૨૯૦ જેટલા પ્રજાલક્ષી કામોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી તલાટી તથા પંચાયત તલાટી-કમ-મંત્રી વચ્ચેની કામગીરી અને જવાબદારીઓ અંગે વધુ સ્પષ્ટતા આવશે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ.

પંચાયત તલાટી-કમ-મંત્રીના કાર્યક્ષેત્રમાં ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસની કામગીરી

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરાયેલા જોબચાર્ટ મુજબ પંચાયત તલાટી-કમ-મંત્રી દ્વારા પંચાયત અધિનિયમ અને નિયમો અન્વયે ગ્રામ પંચાયત સચિવ તરીકે કરવાની થતી તમામ કામગીરી કરવાની રહેશે.

આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિગત તથા વિકાસલક્ષી યોજનાઓની ગ્રામ્ય કક્ષાએ અમલીકરણની કામગીરી, વિવિધ પ્રમાણપત્રોની કામગીરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામતળ, ગૌચર તથા પંચાયત હસ્તકની જમીન દબાણ વિશેષની કામગીરી, જાહેર મિલકતો અંગેની કામગીરી, ગામમાં સ્વચ્છતા, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, ગ્રામસભા તથા વિવિધ સમિતિઓની કામગીરી સહિતની જવાબદારીઓ જોબચાર્ટમાં નિર્ધારિત કરવામાં આવી છે.

જોબચાર્ટમાં PM-KISAN, PM-VISHWAKARMA, ઈ-ગ્રામ/ઈ-નિર્માણ કાર્ડ, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ, ગ્રામ્ય સ્વચ્છતા, પાણી પુરવઠો, ગ્રામતળના પ્લોટ, જાહેર હેતુની જમીન, સ્વચ્છતા અને આરોગ્ય સહિતની ગ્રામ્ય કક્ષાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં મહેસૂલી અને જમીન સંબંધિત કામગીરી

મહેસૂલ વિભાગ દ્વારા નક્કી કરાયેલા જોબચાર્ટ મુજબ મહેસૂલી તલાટીની કામગીરીમાં મહેસૂલના વિવિધ અધિનિયમો અને નિયમો, હિજરતી મિલકત તથા અશાંત ધારા અન્વયેની તમામ કામગીરી, કેન્દ્ર કે રાજ્ય સરકારની જમીન સંદર્ભે જમીનના રેકર્ડ અને સર્વેને લગતી કામગીરી તથા PM-સ્વામિત્વ યોજના સંબંધિત કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મહેસૂલી તલાટી દ્વારા જમીન મહેસૂલની વસૂલાત, બાકી લેણાની વસૂલાત, જમીન સંબંધિત રેકર્ડ અને હકોની કામગીરી, સરકારી મિલકત તથા જમીન સંબંધિત હકોની ચકાસણી, દબાણ અંગેની કામગીરી, જમીન સંપાદન, જમીન મહેસૂલ છૂટ-અગર વધ-ઘટ, જમીન મહેસૂલની વહીવટી કામગીરી, પાક ઉત્પાદન અને જમીન સુધારણા સંબંધિત કામગીરી કરવાની રહેશે.

મહેસૂલી તલાટીના જોબચાર્ટમાં પાક કાપણી પ્રયોગો (Crop Cutting Experiments), ફાર્મર રજિસ્ટ્રેશન, પાક વીમા સંબંધિત કામગીરી, કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજ, સોંપવામાં આવતી જમીન સંબંધિત કામગીરી, દબાણના વેધાન તથા મહેસૂલી અધિકારી દ્વારા સુપરત કરવામાં આવતી અન્ય કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

જરૂરિયાત મુજબ બંને કેડર વચ્ચે સંકલન જળવાશે

બંને જોબચાર્ટમાં કામગીરીની સ્પષ્ટતા સાથે જ્યાં જરૂરી હોય ત્યાં પરસ્પર સહકાર અને સંકલનની જોગવાઈ પણ રાખવામાં આવી છે. ખાસ કરીને કુદરતી આપત્તિઓના સમયે કૃષિ રાહત પેકેજ સંબંધિત કામગીરીમાં પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી દ્વારા સંકલનપૂર્વક કામગીરી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

જોબચાર્ટમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે ગ્રામ્ય કક્ષાની કામગીરી માટે ખાસ કિસ્સામાં વિકાસ કમિશનરશ્રી દ્વારા ખાસ હુકમ થયેથી VCE દ્વારા મહેસૂલી તલાટીને મદદરૂપ થઈ શકાશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી બંને કેડરની મૂળ કામગીરી, કાર્યક્ષેત્ર અને જવાબદારી વધુ સ્પષ્ટ થશે. પરિણામે ગ્રામ્ય કક્ષાએ પંચાયતલક્ષી તથા મહેસૂલી કામગીરીના સંચાલનમાં વધુ સુવ્યવસ્થિતતા આવશે અને સંબંધિત કામગીરી નિર્ધારિત જવાબદારી મુજબ કરવામાં સરળતા રહે તેવી વ્યવસ્થા ઊભી થશે.

લાંબા સમયથી ચાલી રહેલા સતત પ્રયાસો બાદ લેવાયેલો આ નિર્ણય ગ્રામ્ય વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવવા તથા મહેસૂલી અને પંચાયતલક્ષી કામગીરીમાં જવાબદારીની સ્પષ્ટતા લાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0