ગરવી તાકાત મહેસાણા ઃ 18-8-2026
મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધિત અણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવા અને ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS, ગાંધીનગર રેંજ) તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS) દ્વારા સ્પેશિયલ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાના સીધા માર્ગદર્શન હેઠળ ટીમે સઘન તપાસ શરૂ કરી હતી. દરમિયાન LCB PSI બી.વી. વાઘેલા, હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર, પોલીસ કોન્સ્ટેબલ મેહુલકુમાર, કલ્પેશકુમાર તથા આશિકકુમાર સહિતનો સ્ટાફ ડાભલા ચાર રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતો, તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વાહનોમાં મુસાફર તરીકે બેસી નજર ચૂકવી ચોરી કરવાની ટેવ ધરાવતા સુરતના બે રીઢા આરોપીઓને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં કલીમશેખ રૂકમાનશેખ ઉસ્માન શેખ (ઉં.વ. ૩૨, રહે. ભેસ્તાન આવાસ, સુરત) અને આરીફખાન મોહમદખાન ઇસ્માઇલખાન પઠાણ (ઉં.વ. ૩૫, રહે. ગોપીતળાવ ગાર્ડન સામે, સુરત)નો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓની કડક પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ પોતાના અન્ય એક સાથીદાર સફીમહમદ ગુલામરસુલ મલીક (રહે. કોસંબા, સુરત) સાથે મળીને વાહનોમાં મુસાફરોને બેસાડી વાતોમાં ભોળવી રોકડની ચોરી કરતા હતા. આશરે પંદર દિવસ પહેલાં મહેસાણાથી વસઇ-હિંમતનગર રોડ પર એક મુસાફરના ખિસ્સામાંથી ₹૨૦,૦૦૦ની ચોરી કરી હતી, જે અંગે વસઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. આ ઉપરાંત છ મહિના અગાઉ પાલાવાસણાથી રાધનપુર ચાર રસ્તા વચ્ચે એક મુસાફરના પેન્ટના ખિસ્સામાંથી ₹૫૦,૦૦૦ની ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી, જે અંગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા ત્રીજા ફરાર આરોપી સફીમહમદ મલીકને ઝડપી પાડવા LCB પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


