ગરવી તાકાત મહેસાણા ઃ 18-8-2026
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા સહારા ટાઉનશીપ પાસે દેવકુટીર સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. તોરણવાળી માતાના ચોક વિસ્તારમાં રાજન ભાવસાર નામે ટેક્સ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા ભૂપેશકુમાર કુંદનલાલ ભાવસારના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી ચાંદીના કિંમતી દાગીના, રોકડ રકમ અને જમીનના અસલ દસ્તાવેજ સહિત કુલ ₹૧,૮૭,૦૦૦ ની મતાની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
ઘટનાની વિગતો અનુસાર, ટેક્સ એડવોકેટ ભૂપેશકુમાર ભાવસાર ગત તારીખ ૧૫ ઓગસ્ટના રોજ બપોરના સમયે પોતાના પરિવાર સાથે રહેતા મકાનને યોગ્ય રીતે લોક કરીને ઓફિસે જવા નીકળ્યા હતા. ત્યારબાદ તેમના સાળાનું અવસાન થયું હોવાથી તેઓ અમદાવાદ ખાતે પરિવારજનો પાસે રોકાયા હતા. આ દરમિયાન ૧૫ ઓગસ્ટના બપોરે અઢી વાગ્યાથી લઈને ૧૭ ઓગસ્ટના સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકાન બંધ હોવાનો લાભ અજાણ્યા તસ્કરોએ ઉઠાવ્યો હતો. તસ્કરોએ મકાનના મુખ્ય લોખંડના દરવાજાનો નકુચો તથા અંદરના લાકડાના દરવાજાનું તાળું તોડી ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
સોમવારે સવારે પાડોશી દ્વારા મકાનનો દરવાજો ખુલ્લો હોવાની જાણ ટેક્સ એડવોકેટને ટેલિફોનિક માધ્યમથી કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ પરિવારજનો તાબડતોબ અમદાવાદથી મહેસાણા પોતાના ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં જઈને તપાસ કરતા તમામ રૂમ અને બેડરૂમનો સામાન અસ્તવ્યસ્ત હાલતમાં વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો. તસ્કરોએ કબાટના લોક તોડી અંદર રાખેલા સામાનની ઉથલપાથલ કરી હતી. જેમાં કબાટના ખાનામાં મુકેલા વડીલોપાર્જિત રાણીછાપના ચાંદીના જૂના સિક્કા તેમજ ચાંદીના ત્રણ હાર મળી આશરે ૬૫૦ ગ્રામ વજનના ચાંદીના દાગીના (જેની અંદાજિત કિંમત ₹૧,૨૦,૦૦૦) તથા અન્ય રોકડા ₹૬૭,૦૦૦ ની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ઉપરાંત તસ્કરો વિનાયક પાર્ક પ્લોટના અસલ દસ્તાવેજવાળી ફાઈલ પણ ચોરી ગયા હતા.
ચોરીની આ સમગ્ર ઘટના અંગે ભૂપેશકુમાર ભાવસારે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ઘટનાસ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરોનું પગેરું મેળવવા માટે આગળની સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


