મહેસાણા: ગરવી તાકાત 15-8-2026

મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના વન તથા પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ મહેસાણાના મોઢેરા ચોકડી સ્થિત વિશ્વકર્મા હોલ ખાતે ‘રાખી મેળા’નું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મેળાનો મુખ્ય હેતુ મહિલા કારીગરોને આત્મનિર્ભર બનાવી તેમના હસ્તકલાના કૌશલ્યને યોગ્ય મંચ પૂરું પાડવાનો છે. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીશ્રીએ મેળામાં કાર્યરત વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ અને અન્ય ચીજવસ્તુઓની ઝીણવટભરી માહિતી મેળવી હતી અને તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીની સાથે મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી અને કડીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા સહિતના મહાનુભાવો વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે ‘હર ઘર સ્વદેશી’ના મંત્ર સાથે મહિલાઓ આર્થિક રીતે સધ્ધર બને તે દિશામાં આ મેળો એક મહત્વનું કદમ સાબિત થશે.
‘સ્નેહની રાખડી – સ્વાવલંબનની દોરી’ના સૂત્ર સાથે આયોજિત આ મેળામાં ગુજરાતની મહિલાઓ દ્વારા નિર્મિત અનોખી હસ્તકલાની કૃતિઓ, રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ તેમજ ઘર સુશોભનની આકર્ષક કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળાના માધ્યમથી મહિલા કારીગરોને સીધું બજાર પૂરું પાડીને તેમને રોજગાર માટે પ્રોત્સાહિત કરવાનો ઉમદા અભિગમ અપનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ પ્રયાસથી સ્થાનિક કલા-કસબને વેગ મળવાની સાથે મહિલા ઉદ્યોગ સાહસિકોને મજબૂત પીઠબળ પ્રાપ્ત થશે.

મહેસાણાના મોઢેરા ચોકડી પાસે આવેલા વિશ્વકર્મા હોલ ખાતે આ રાખી મેળો આગામી તારીખ ૨૩ ઓગસ્ટ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. મેળાનો સમય દરરોજ સવારે ૧૧:૦૦ કલાકથી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી રાખવામાં આવ્યો છે. જિલ્લાના નાગરિકોને આ મેળાની મુલાકાત લઈ સ્વદેશી રાખડીઓની ખરીદી કરવા અને મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે.


